સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે પલસાણા તાલુકાના બગુમરા ગામે એક બુટલેગરે ઘરમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ જગ્યાઓ પર પ્રોહી – જુગારની પ્રવૃત્તિઓ ન થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરએ સુરત ગ્રામ્ય એલસીબીની ટીમને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. જેને લઈને એલસીબીની ટીમે ખાસ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાતમીદારોને કામે લગાડી દીધા હતા. ત્યારે સુરત ગ્રામ્ય એલસીબી ટીમમાં ફરજ બજાવતા હે.કો. ચિરાગર જયંતીલાલ તથા હે.કો અમરતજી રાઘાજીને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના બગુમરા ગામે આવેલ સુર્યાંસી રેસીડેન્સીમાં રહેતો અને વિદેશી દારૂનો ધંધો કરતો સત્યનારાયણ ઉર્ફે મનીષ મારવાડી નામના ઈસમે વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી દીધો છે અને છૂટક વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. એલસીબીની ટીમે 588 વિદેશી દારૂની બોટલો, એક મોબાઈલ મળી ટોટલ રૂ. 92,600નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.