સુરતમાં ઓએનજીસી (ONGC) બ્રિજ પર ફરી એકવાર જહાજ બ્રિજ સાથે ટકરાયું હોવાનો બનાવ બન્યો છે. માહિતી મુજબ, કોલસા ભરેલું જહાજ એકાએક બ્રિજ સાથે અથડાયું હતું. જોકે, સદનસીબે બ્રિજને કોઈ નુકસાન પહોંચ્યુ નહોતું અને મોટી દુર્ઘટના ટળી હતી.
જણાવી દઈએ કે, સુરત શહેરના હજીરા અને ઓએનજીસી પાસે દરિયાકાંઠે મોટા જહાજો આવતા હોય છે, જેમાં કોલસાથી ભરેલા જહાજો પણ હોય છે. ત્યારે આજે સુરતના ઓએનજીસી બ્રિજથી એક કોલસા ભરેલું વિશાળકાય જહાજ ટકરાયું હતું. પરંતુ, રાહતની વાત એ છે કે ટક્કર સામાન્ય હોવાથી બ્રિજને કોઈ નુકસાન પહોંચ્યું નહોતું અને કોઈ જાનહાનિ પણ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બ્રિજ સાથે જહાજ ટકરાવવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
આજે સુરતના હજીરા પાસે દરિયાકાંઠે પાણીના વહેણમાં કોલસા ભરેલું જહાજ તણાઈને ઓએનજીસી બ્રિજના પિલર સાથે ટકરાયું હતું. જોકે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ નહોતી. જણાવી દઈએ કે, હજીરા સ્થિત કંપનીઓ દ્વારા વિદેશથી મોટા પ્રમાણમાં કોલસાની આયાત કરવામાં આવે છે. તેમાંથી માલસામાનને જેટી સુધી પહોંચાડવા માટે બાર્જનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, ઘણી વખત આ કામગીરી બંધ હોય છે ત્યારે જેટી પર તેમને બાંધીને રાખવામાં આવે છે. પરંતુ, કોઈ કારણસર બાર્જ ઓએનજીસી બ્રિજના પિલર સુધી આવી ગયું હતું.