સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના નવમાં માળે આવેલા ફ્લેટમાં એક મહિલા એકલા હતા ત્યારે અચાનક દરવાજો લોક થઈ જતા તેઓ અંદર ફસાયા હતા. આથી મહિલાએ બૂમાબૂમ કરતા પાડોશીઓએ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયરના જવાનોએ જીવના જોખમે મહિલાનું દિલધડક રેસક્યૂ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સ્તૃતિ બિલ્ડિંગના નવામાં માળે એક મહિલા ઘરે એકલા હતા ત્યારે દરવાજો અચાનક લોક થઈ ગયો હતો. આથી મહિલાએ બૂમાબૂમ કરતા પાડોશીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. આથી ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મહિલાને બચાવવા માટે ફાયરના જવાનોએ પાડોશીના ઘરની ગેલેરીમાંથી મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ફાયરના જવાનોએ પહેલા બિલ્ડિંગના નવમાં માળે આવેલા મહિલાના ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે લોક થઈ જતા ખુલ્યો નહોતો. આથી પાડોશીના ઘરની ગેલેરીમાંથી એક જવાન રોપની મદદથી મહિલાના ઘરમાં પ્રવેશ્યો હતો. આ માટે પહેલા ગેલેરીની લોખંડની ગ્રીલને કાપવામાં આવી હતી અને ત્યારબાદ દરવાજાને પણ અંદરથી કાપવામાં આવ્યો હતો. આમ ફાયરની ટીમે મહિલાનું દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. મહિલાને સુરક્ષિત જોઈ તમામે રાહતનો શ્વાસ લીધો હતો.