માંગરોળના મોટા બોરસરા વિસ્તારમાં કેમિકલવાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થયું હતું. આ દરમિયાન શ્વાસ રૂંધાઈ જવાથી ચાર કામદારોના મોત થયાની દુર્ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઇ છે. હાલ તમામના મૃતદેહને કીમની સાધના હોસ્પિટલમાં લવાયા છે. કેમિકલના ગોડાઉનમાં પાંચ લોકો કામ કરી રહ્યાં હતા. ત્યાં અચાનક કેમિકલ ડ્રમ ભરેલા ઢાંકણ ખોલતા ઝેરી કેમિકલના કારણે ચાર લોકોના મોત થયા અને એક વ્યક્તિ બેભાન થઈ ગયો હતો.
આ ઘટનાને લઈને માંગરોળ મામલતદાર અને જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. માંગરોળ મામલતદારે ઘટના અંગે મીડિયાને જણાવતા કહ્યું કે, મોટા બોરસરા ગામે નીલમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનું મટિરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલની પાસે 5 લોકોએ ડ્રમનું ઢાંકણુ ખોલતા કેમિકલની ફ્યુમસના કારણે પાંચેય લોકો ત્યાં બેભાન થઈ ગયા હતા.
ત્યારબાદ તમામને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 5માંથી 4ને મૃત જાહેર કર્યા છે અને એક બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સેમ્પલિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસે માલિકની ધરપકડ કરી છે.