સુરત પાલિકા કમિશનરે શહેરના તુટેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા માટેના આદેશ આપ્યા બાદ આજે વરસાદે પોરો ખાતા પાલિકાના તમામ ઝોનમાં રસ્તા રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી છે. હાલ જે રીતે કતારગામ કાસાનગર અને પાલ ગૌરવપથ પર રસ્તા રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે તેવી જ રીતે શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રાત્રીના સમયે રસ્તા રીપેર કરવાની કામગીરી યુધ્ધના ધોરણે શરુ કરવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યાં છે.
સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોના કારણે શહેરના અનેક રસ્તાઓ બંધ છે જ્યારે શહેરના ટ્રાફિકથી ધમધમતા રીંગરોડ સહિત અનેક રસ્તા સાંકડા થઈ ગયા હોવા સાથે આ રસ્તા પર અનેક ખાડાઓ છે તેનાથી લોકોને સમસ્યા થઈ રહી છે. દરમિયાન ભારે વરસાદમાં આ રસ્તા પરના ખાડાઓના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી. સુરતના ટ્રાફિકથી ધમધમતા ગુજરાત ગેસ સર્કલ, કતારગામ દરવાજા, સહારા દરવાજા, ઉધના દરવાજા, મોરાભાગળ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો ને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાડાને કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો હોવાથી સુરતીઓની હાલત કફોડી થઈ રહી છે
આ સમસ્યા બાદ મ્યુનિ. કમિશનરે પાલિકાના તમામ ઝોનમાં વરસાદ બંધ થાય કે તરત જ યુધ્ધના ધોરણે તૂટેલા રસ્તા રીપેર કરવા માટે આદેશ કર્યો હતો. ત્યાર બાદ આજે વરસાદે પોરો ખાતે તમામ ઝોનમાં રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, સતત વાહનોની અવર જવર છે તેવા મજુરાગેટ-કડીવાલા સ્કૂલ થઈ ઉધના દરવાજાનો રસ્તો યુધ્ધના ધોરણે રિપેર કરવા માગણી લોકો કરી રહ્યા છે.