સુરતના વરાછા વિસ્તારમાં મકાનના ત્રીજા માળની ગેલેરીમાંથી પગ સ્લીપ થઈ જતાં ધોરણ 10 માં ભણતી કિશોરી નીચે પટકાતા ચકચાર મચી જવા પામી છે. આ કિશોરી ઘરના ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાઈ હોવાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. સોસાયટીમાં બાંકડા પર બેઠેલા વૃદ્ધો પણ કિશોરીને નીચે પટકાતી જોઈને ચોંક્યા હતાં. આ દ્રશ્યો જોઈને કિશોરીની માતા પણ ઢળી પડી હતી. કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણએ સુરતના વરાછાના યોગી ચોક વિસ્તારની તુલસીપાર્ક સોસાયટીમાં રહેતી કિશોરી પોતાના ઘરના ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે અને હાથના ભાગે વધુ ઈજાઓ થઈ છે. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. સરથાણા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર આ ઘટના ગત શનિવારે 11 વાગ્યે બની હતી. દીકરી નીચે પડી હોવાની જાણ થતાં માતા પણ દોડી આવી હતી અને બેભાન થઈ ઢળી પડી હતી. ત્યારબાદ કિશોરીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કિશોરી ધોરણ 10 માં અભ્યાસ કરે છે. ગેટ પાસેના CCTV માં આખી ઘટના કેદ થઈ હતી. બાંકડાઓ પર બેઠેલા વૃદ્ધો બાળકીને નીચે પટકાતા જોઈને ચોંકી ગયા હતા. જોકે, તાત્કાલિક ઇજાગ્રસ્ત કિશોરીને ઉઠાવી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ બાળકી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે.