સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં ચાલી રહેલા રેઢિયાળ કારભારને પગલે દર્દીઓની સાથે હવે અહીંના કર્મચારીઓને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આયુષ્યમાન કાર્ડ અને વિકલાંગ સર્ટિફિકેટ બનાવવાની ઑફિસમાં છતમાંથી પાણી ટપકતું હોવાથી કર્મચારીઓ પરેશાન થયા છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓની સાથે કર્મચારીઓ પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલમાં આવેલી આયુષ્યમાન કાર્ડ અને વિકલાંગ સર્ટિફિકેટ બનાવવાની ઑફિસની છતમાંથી પાણી ટપકતું હોવાથી ત્યાં કામ કરતા કર્મચારીઓને ભારે હાલાકી થઈ રહી છે. શહેરમાં ભારે વરસાદ થતા છતમાંથી પાણી ટપકતું હતું, જેના કારણે આખી ઓફિસમાં પાણી જ પાણી થઈ ગયું હતું અને ઑફિસમાં રાખેલો કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો સામનો પણ પલળી ગયો હતો.
માહિતી મુજબ, આ મામલો અધિકારીઓના ધ્યાને આવતા ત્રણ મહિલા સરવન્ટને દોડાવી ઓફિસમાંથી ડોલ ભરી-ભરીને પાણી કાઢવામાં આવ્યું હતું. જ્યારે સ્ટાફે કહ્યું કે, આ સમસ્યા આ વર્ષની જ નથી પરંતુ, દર વર્ષે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પરંતુ તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી અને તેનું રિપેરીંગ કરવાની પણ તસ્દી લેવામાં આવી રહી નથી.