કર્ણાટકના બેલગવીમાં જૈન સંત આચાર્ય કામકુમાર નંદીજી મહારાજની હત્યા કરવામાં આવી હતી, જેના વિરોધમાં દેશભરમાં જૈન સમાજ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને હત્યારાઓને ફાંસીની સજા ફટકારવાની માંગ કરવામાં આવી રહી છે. સુરતમાં પણ સમસ્ત જૈન સમાજ દ્વારા પાર્લે પોઇન્ટ ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અઠવાલાઇન્સ કલેક્ટર કચેરી ખાતે પહોંચી સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપીને હત્યારાઓને જલદી અને કડક સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, કર્ણાટકમાં સાધના કરી રહેલા જૈન સંત આયાર્ય કામકુમાર નંદીજી મહારાજની હત્યાના વિરોધમાં દેશભરમાં જૈન સમાજના અલગ-અલગ ફિરકાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ સમસ્ત જૈન સમાજ દ્વારા પોતાનો વિરોધ દાખવવા અને હત્યારાઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તે માગ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના પાર્લે પોઈન્ટથી અઠવાલાઇન્સ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી.
જિલ્લા કલેકટરને જૈન સમાજના અગ્રણીઓ દ્વારા આ મામલે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હત્યા કરનારા લોકોને જલદી અને કડક સજા કરી સમાજમાં દાખલો બેસાડવા અને ભવિષ્યમાં આવું કૃત્ય અન્ય કોઈ નહીં કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.