આજકાલ સોશિયલ મીડિયા પર છવાઈ જવાની ઘેલછામાં યુવાનો અવનવા ગતકડાં કરતા હોય છે. જાહેર માર્ગ પર સ્ટંટ કરીને પોતાની સાથે જ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. થોડા દિવસ પહેલા સુરતમાં પણ એક યુવાને ફ્લાયઓવર પર ફૂલ સ્પીડમાં બાઇક હકારી તેના પર ઊભા રહી વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જાહેર માર્ગ પર જોખમી વીડિયો બનાવનારા આ યુવાન સહિત બે લોકોની પોલીસે ધરપકડ કરી છે.
થોડા દિવસ પહેલા સુરતના પારલે પોઇન્ટ ખાતે આવેલ ફ્લાયઓવર બ્રિજ નજીક એક યુવક જાહેર માર્ગ પર ફૂલ સ્પીડમાં બાઇક હંકારી પછી તેના પર ઊભા રહને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આથી પોલીસે જાહેર માર્ગ પર જોખમી વીડિયો બનાવવા બદલ સ્ટંટ કરનાર શખ્સ ધીરણ ચૌહાણ અને વીડિયો ઉતારનાર કિશોર ધાણકાની ધરપકડ કરી હતી.
પોલીસે બંને આરોપીઓને જ્યાં સ્ટંટ કર્યો હતો ત્યાં લઈ જઈ જાહેર માર્ગ પર બેસાડીને માફી મગાવી હતી. આમ પોલીસે યુવાનોને કાયદાનું ભાન કરાવ્યું હતું અને ભવિષ્યમાં આવા સ્ટંટ ન કરવાની બાંહેધરી યુવકોએ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.