સુરત શહેરમાં આજે એકથી દોઢ કલાક પડેલા વરસાદે પાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી નાંખી છે. આજે સુરતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક રોડ મીની તળાવ જેવા બની ગયા હતા. જેના કારણે રસ્તા પર અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી જેના કારણે વાહન ચાલકો ની હાલત કફોડી થઈ ગઈ છે. ડુંભાલ ઓમ નગરમાં આ સિઝનમાં ત્રીજી વાર લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. આ વિસ્તારમાં કેડસમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી હતી. દોઢેક કલાક પડેલા વરસાદના કારણે અનેક વિસ્તાર જળબંબાકાર થતાં પ્રિમોન્સુન કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે.
સુરતમાં આજે વરસાદની ધમાકેદાર ઇનિંગના પગલે સેન્ટ્રલ ઝોનના નીચાણવાળા ગણાતા સલાબતપુરા સપ્તશૃંગી માતાજીના મંદિર વિસ્તારમાં સૌથી પહેલા પાણી ભરવાનું શરૂ થયું હતું. જોત જોતામાં આ વિસ્તારના રોડ પાણીમાં ગરક થઈ ગયા હતા. આ જગ્યાએ દર વર્ષે અનેક વખત પાણીનો ભરાવો થતો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કાયમી નિરાકરણ કરવામા આવતું નથી. આવી જ રીતે ડુંભાલના ઓમ નગરમાં આ સિઝનમા ત્રીજી વખત લોકોના ઘરમાં પાણી ઘુસી ગયાં છે. આ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા લોકોની હાલત કફોડી થઈ રહી છે.
આ વિસ્તાર ઉપરાંત શહેરના સૌથી વ્યસ્ત એવા રીંગરોડ ઉધના દરવાજા નજીક પણ પાણીન ભરાવો રોડ પર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વરસાદમાં થોડા જ સમયમાં સિવિલ કેમ્પસ, ખરવર નગર, રોકડિયા હનુમાન મંદિર, મીઠી ખાડી, સહિત અનેક વિસ્તારના રોડ પાણીમાં ગરક થઈ ગયા હતા. ધોધમાર વરસાદ અને રોડ પર પાણીના ભરાવાના કારણે અનેક રોડ પર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે.
સુરતમાં થોડા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમા પાણીનો ભરાવો થતાં પાલિકાએ કરેલી પ્રિમોન્સુન કામગીરી યોગ્ય ન થઈ હોવાના આક્ષેપ પણ શરૂ થઈ ગયા છે.