સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના શોરૂમમાં થોડા દિવસ પહેલા ચોરી થઈ હતી. શોરૂમમાંથી તસ્કરો લેપટોપ, મોબાઇલ ફોન સહિત કુલ 2.72 લાખની મતા ચોરી ગયા હતા. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીનો તમામ સામાન પણ કબજે કરી લીધો છે. આ મામલે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા જીઓન એન્ટરપ્રાઇઝ નામના ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના શોરૂમમાં ગત 7 જુલાઈના રોજ ચોરીની ઘટના બની હતી. મોડી રાતે બે અજાણ્યા શખ્સ શોરૂમનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા અને 8 લેપટોપ, બે મોબાઇલ ફોન મળી કુલ 2.72 લાખની મતા ચોરી કરી ફરાર થયા હતા. જોકે, ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રાજસ્થાનના વતની અને હાલ સુરતમાં રહેતા લક્ષ્મણ ઉર્ફે લખન છગનલાલ જાટ અને મુકેશભાઈ ઉર્ફે અજ્જુ ભેરુલાલ સાલ્વીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે ચોરી કરેલો તમામ સામાન પણ જપ્ત કર્યો હતો. પૂછપરછમાં લક્ષ્મણે અગાઉ કાપોદ્રા અને સરથાણા વિસ્તારમાંથી બે બાઇક ચોરી કરી હોવાનું પણ કબુલ્યું હતું. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.