સુરતમાં બકરા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. તાજેતરમાં ઝાંપા બજાર વિસ્તારમાં જ્યા બકરા વધુ પ્રમાણમાં હોય છે, ત્યાં એક રિક્ષામાં ચોર આવ્યા અને કોઈ વ્યક્તિ હાજર ન હોઈ તક જોઈ રખડતા બકરાને રિક્ષામાં લઈ ફરાર થયા હતા. બકરા ચોરીની આ સમગ્ર ઘટના સીસીવીટી કેમેરામાં કેદ થઈ છે.
સુરતના ઝાંપા વિસ્તારમાં મોટાભાગના પરિવાર બકરા-બકરીનો ઉછેર કરે છે. આથી આ વિસ્તારમાં બકરા-બકરીની સંખ્યા વધુ હોવાથી તસ્કરો આ વિસ્તારને ટાર્ગેટ કરતા હોય છે અને બકરા-બકરીની ચોરી કરે છે. તાજેતરમાં વધુ એક બકરા ચોરીની ઘટના આ વિસ્તારમાં બની છે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે અજાણ્યા શખ્સ એક રિક્ષામાં ઝાંપા વિસ્તારમાં આવે છે અને ગલીઓમાં ફરી રખડતા બકરાઓને જોઈ આસપાસ કોઈ વ્યક્તિ ન હોવાની તકનો લાભ લઈ બકરાને રિક્ષામાં ખસેડી ચોરી કરી ફરાર થઈ જાય છે.
ઝાંપા વિસ્તારમાં સતત બકરા ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા વધી છે. છેલ્લા અમુક સમયથી ઝાંપા વિસ્તારની અલગ-અલગ શેરીઓમાંથી બકરા ચોરીની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે વધુ એક બકરા ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આથી સ્થાનિક લોકો હવે બકરા-બકરીને ઘરની બહાર રાખતા પણ ખચકાઇ રહ્યા છે.