સુરતના વરાછા વિસ્તારમાં થોડા દિવસ પહેલા અમદાવાદના એક શેરબ્રોકરનું ધોળા દિવસે જાહેરમાં અપહરણ કરવામાં આવ્યું હતું. રૂ. 2.37 કરોડની ઉઘરાણી બાબતે આ અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે ઉત્રાણ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરી અગાઉ ભાગીદાર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી આ કેસ હેઠળ અમદાવાદના 4 સહિત 6 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક આરોપી હાલ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં રહેતા અને શેરબ્રોકરનું કામ કરતા વેપારી શક્તિ ધડુકનું થોડા દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાંથી કેટલાક લોકોએ ધોળા દિવસે જાહેરમાં અપહરણ કર્યું હતું. આ મામલે ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સીસીટીવી ફૂટેજના આધારે અગાઉ ત્રણ શખસની ધરપકડ કરીને વેપારીને અપહરણકારોના ચુંગલમાંથી છોડાવ્યો હતો. તેમ જ અન્ય ત્રણ શખ્સ ફરાર હોવાથી તેમની શોધખોળ આદરી હતી. આ મામલે હવે પોલીસે અમદાવાદથી મુખ્ય સૂત્રધાર મકબૂલ સોલંકી, શાબીર સોલંકી, રાજાખાન પઠાણ, સોહીલ ઉર્ફે ગટ્ટ તેમ જ કામરેજથી ફિરોજ ગોગદા અને તેના ભાઈ ફારૂક ગોગદાને ઝડપી લીધા છે.
આ સાથે પોલીસે 4 કાર પણ જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય સૂત્રધાર મકબૂલ સોલંકી અને શાબિર સોલંકી જુનાગઢમાં અમીન ટ્રાન્સપોર્ટ અને હોટેલ લાઇનનો બિઝનેસ કરે છે. વેપારી શક્તિ ધડુકે 5 જણા પાસેથી 10 ટકાના વ્યાજે રૂ. 2.37 કરોડ લીધા હતા અને શેરમાર્કેટમાં રોક્યા હતા. જો કે, શેરમાર્કેટમાં નુકસાન થતા તે પૈસા ચુકવી શક્યો નહોતો. આથી તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આરોપી મૌલિક અગ્રાવત હાલ પણ ફરાર છે.