ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામના ગૌચરની જમીનમાં જેટકો કંપની દ્વારા આદિવાસી સમાજના નાદરવા દેવના દેવસ્થાને નજીક થઈ રહેલ વિજ સબ સ્ટેશનનું કામ અટકાવવા ગ્રામજનોએ સરકારી તંત્ર સમગ્ર રજૂઆત કરી છે.
ગ્રામજનોએ ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે મામલતદારને લેખિતમાં જણાવ્યું કે ગૌચરની જમીનમાં આદિવાસીઓના નાદરવા દેવનુ સ્થાન છે ત્યા જેટકો કંપની દ્વારા આજુબાજુમાં ઉંડા ઉંડા ખાડા ખોદી વિજ સબ સ્ટેશનનુ નિર્માણ કાર્ય શરૂ કરાતા ગામજનો એ વિરોધ દર્શાવ્યો હતો. આદિવાસીઓ પ્રકૃતિ પુજામાં માનનાર હોય, નાદરવા દેવની પુજા ગામના પશુઓને એકત્રિત કરી ભેગા થઇ નાદરવા દેવની પુજા પુવૅજોના સમયથી ચાલી આવેલી પરંપરા મુજબ કરતા હોય છે પરંતુ આ વર્ષે જેટકો કંપની દ્વારા દેવસ્થાનની આજુબાજુ ખોદકામ કરતાં. પુજા વિધિ કરવામાં મોટી અડચણો ઉભી થઇ છે ત્યારે આ કામ સત્વરે બંધ કરાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. કામ નહીં બંધ કરે તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનો એ ચીમકી ઉચ્ચારી છે.