સૌજન્ય-સુરતઃ પાંડેસરા વિસ્તારમાં એક મહિલા દ્વારા પોતાના ત્રણ બાળકો સાથે ટ્રેન નીચે કૂદી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. ટ્રેન નીચે કૂદી આપઘાત કરતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની ત્રણ બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. અને અંતિમ પગલું ભરી લીધું હતું. જોકે, મોટી દીકરીને આપઘાતની શંકા જતા માતાનો હાથ છોડાવી ભાગી જતા બચી ગઈ હતી.
દીકરા અને દીકરીનો હાથ પકડી ટ્રેન નીચે કૂદી ગઈ માતા
પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિરભાવ સોસાયટીમાં મૂળ મહારાષ્ટ્રનો સંતોષ પાટીલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની આશા(ઉ.વ.40), દીકરો મનિષ(ઉ.વ.11) અને બે દીકરી દિપાલી(ઉ.વ.13) હતી. પતિ સંચા કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ આશા અને સંતોષ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી આશા બંને દીકરી અને દીકરાને લઈને ઘર છોડીને જતી રહી હતી. દરમિયાન ઉધનામાં ભીમનગર રેલ્વે ગરનાળા પરથી આશાએ મનિષ અને દિપાલીનો હાથ પકડી ટ્રેન નીચે કૂદી આપઘાત કરી લીધો હતો.
ત્રણેયના શરીરના અંગો કપાઈ ગયા
પતિ સાથે ઝઘડો થયા બાદ પત્ની ત્રણ બાળકો સાથે ઘર છોડીને સીધી જ ઉધનાના રેલવે ગરનાળા પર પહોંચી હતી. અને ગરનાળા પરથી ટ્રેન નીચે કૂદી આપઘાત કરી લીધો હતો. જેમાં ત્રણેયના શરીરના કેટલાક અંગે કપાઈ ગયા હતા. અને રેલવે ટ્રેક પર વિખેરાઈ ગયા હતા.
મોટી દીકરીને આપઘાતની શંકા જતા હાથ છોડાવી દોડી જતા બચી ગઈ
માહી નામની મોટી દીકરીને ખબર પડી ગઈ હતી કે, માતા આપઘાત કરવા ટ્રેક પર લઈ જઈ રહી છે. એટલે ટ્રેન જોઈ માતાનો હાથ છોડાવી ટ્રેક પરથી બાજુમાં દોડી જતા બચી ગઈ હતી. જોકે, મોટી દીકરીની નજર સામે માતા અને ભાઈ-બહેન ટ્રેન નીચે કપાઈ ગયા હતા.
આર્થિક ભીંસને લઈને ઝઘડા થતા હતા
સંતોષ પાટીલે 25 હજારની લોન લીધી હતી. જેના દર મહિને 1100નો હપ્તો ભરતો હતો. બીજા લોન લેવા માટે અરજી કરી હતી. જોકે, તે કેન્સલ થઈ હતી. જેથી આજુબાજુના મિત્રો પાસેથી 10થી 12 હજાર રૂપિયા પણ ઉછીના લીધા હતા. જેની ઉઘરાણી કરવા લોકો પણ ઘરે આવતા હતા. દરમિયાન આશાએ બાળકોને શાળામાંથી ઉઠાડી લેવા માટે પણ સ્કૂલના પ્રિન્સીપાલ સાથે વાત કરી હતી. જેથી આપઘાત પાછળ ઘરકંકાસ અને આર્થિક ભીંસ પણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ વધુ તપાસ કરી રહી છે.