સુરત પાલિકા વિસ્તારમાં પનીર, બરફગોળા અને આઈસ્ક્રીમ બાદ હવે ચીઝ અને માયોનિઝનો જથ્થો પણ અખાદ્ય નિકળ્યો છે. સુરતમાં ફ્રેન્ચાઈઝી ધરાવતી શોપ સહિત છ જગ્યાએ 40 કિલો અખાદ્ય ચીઝ-માયોનીઝ મળી આવતાં તેનો નાશ કરાયો હતો.
સુરત પાલિકાના ફુડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સેમ્પલ લેવાની કામગીરીમાં હવે એક બાદ એક સેમ્પલ લેબોરેટરી તપાસમાં નાપાસ થઈ રહ્યું છે. આ પહેલાં મોંઘી દાટ આઈસ ડીશ વેચતી અને આઈસ્ક્રીમમાં વેચાણ કરતી સંસ્થાના નમૂના ફેલ ગયાં છે. ત્યારબાદ પાલિકા તંત્રએ હાલમાં પીત્ઝા અને અન્ય ફૂડનું વેચાણ કરતી ફ્રેન્ચાઈઝી ધરાવતી શોપમાંથી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી.
આ મહિનામાં જ પાલિકાના ફૂડ વિભાગે ઘોડદોડ રોડની પિઝા હટ (સફાયર ફુડ્સ ઈન્ડિયા લિમિટેડ, પાલનપુર લા-પીનોઝ પીઝા (દેવ હોસ્પિટાલિટી), પીપલોદના કે.એસ ચારકોલ (પ્રેરણા હોસ્પિટાલિટી), અડાજણના ડેન્સ પિઝા, જહાંગીરાબાદ ગુજ્જુ કાફે, વેસુના ડોમિનોઝ પિઝા (જુબિલન્ટ ફૂડવર્કસ લી.)માંથી વિવિધ વાનગીઓ બનાવવામાં વપરાતા ચીઝ માયોનીઝ ના નમૂના લીધા હતા જે નમુના લેબ ટેસ્ટ માં ફેઈલ ગયાં છે. આ 6 નમૂના ફેલ જતાં પાલિકાએ આ સંસ્થામાંથી આશરે 40 કિલો ચીઝ, માયોનીઝ નો નાશ કરી દીધો છે. હવે આ સંસ્થા સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવા માટે કવાયત શરૃ કરી દેવામાં આવી છે.