સૌજન્ય-સુરતઃ લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીના દેહને ચૂંથી તેનું ગળું દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હોવાનો અરેરાટીભર્યો બનાવ બન્યો છે. શનિવારે રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના સમયગાળામાં ગુમ થયેલી બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ સોમવારે સાંજે 4 વાગ્યે મળ્યો હતો. બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેની નીચેના જ રૂમમાંથી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલો મૃતદેહ મળ્યો હતો. આ મકાનમાં રહેતા અનિલ યાદવ નામનો યુવાન પણ રહસ્યમય સંજોગોમાં ગુમ હોવાથી પોલીસ હાલ તેને શકમંદ તરીકે જોઈ રહી છે અને તેને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
પોલીસે દાખવી ગંભીરતા
ગોડાદરામાં એસએમસી આવાસની સામેની સોમેશ્વર સોસાયટીમાં રહેતા અને કલર કામ કરી પરિવારજનોનું પેટિયું રળતા એક શ્રમિક પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી રવિવારે રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના સમયગાળામાં પોતાના ઘર નજીકથી રમતી રમતી ગુમ થઈ ગઈ હતી. જેની જાણ તેના પિતાએ લિંબાયત પોલીસને કરી હતી. પોલીસે મામલાને ગંભીરતાથી ધ્યાને લીધો. લિંબાયત પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને એસઓજીની મળી કુલ 10થી વધુ ટીમો કામે લાગી. આ વિસ્તારના એક એક ઘરમાં તપાસ કરી. ક્યાંયથી બાળકીની ભાળ ન મળી.
પોલીસે બંધ મકાનનું તાળું તોડતાં મળ્યો મૃતદેહ
શોધતા શોધતા સોમવારે સાંજે 4 વાગ્યા. એવામાં ક્રાઇમ બ્રાંચના એક કર્મચારીનું ધ્યાન આ બાળકીનો પરિવાર જ્યાં રહે છે તેમની નીચેના બંધ મકાન પર ગયું હતું. તેમણે ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું. આખરે આ મકાનનું તાળું તોડી તપાસ કરવાનો નિર્ણય કર્યો. તાળું તોડ્યું તો એ રૂમમાં બે ડોલની નીચે છૂપાવેલો પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. જેમાં આ બાળકીની હત્યા કરાયેલી લાશ હતી. બાળકીનું ગળું દબાવી હત્યા કરી હતી.
રહસ્યમય સંજોગોમાં ગુમ
ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ બે માળના મકાનમાં ઉપરના માળે મકાનમાલિક પાંડે રહે છે. વચ્ચેના માળે બાળકીનો પરિવાર રહે છે. અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ છે ત્યાં મકાન માલિકનો દૂરનો ભાણેજ રાહુલ રહે છે. રાહુલ છેલ્લા એકાદ મહિનાથી વતનમાં ગયો છે. પરિણામે આ રૂમમાં રાહુલનો મિત્ર અનિલ પાંડે રહેતો હતો. જે રહસ્યમય સંજોગોમાં ગુમ છે. મકાનને તાળું મારી તે ગાયબ થઈ જતાં પોલીસને તેના પર શંકા છે. જેથી તેને શોધવાના કામે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.
બળાત્કાર અંગે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ય થશે: પોલીસ કમિશનર
આ બાબતે પોલીસ કમિશનર સતીશ શર્માનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે બળાત્કાર થયો છે કે કેમ એ અંગે ફોરેન્સિક સાયન્સમાંથી રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. હાલના તબક્કે બળાત્કાર થયો છે તેમ કહી શકાય નહીં.