સુરતના કડોદરામાં એક પિતાએ માત્ર નાની બાબતમાં પરિવારના સભ્યો પર ઘાતક હૂમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. કડોદરા વિસ્તારમાં રહેતા પરિવારમાં માત્ર સુવાની બાબતે થયેલી બબાલમાં પિતા ઉશ્કેરાયો હતો અને દીકરીને છરાના 17 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તે ઉપરાંત તેણે પત્ની અને ત્રણ પુત્રને પણ મટન કાપવાના છરાના ઘા માર્યા હતાં. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારા પિતાને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કડોદરામાં સત્યમ નગર વિસ્તારમાં મૂળ બિહારનો રામાનુજ શાહુ, પત્ની રેખાદેવી, દીકરી ચંદાકુમારી અને ત્રણ દીકરાઓ સૂરજ, ધીરજ અને વિશાલ સાથે રહે છે. રામાનુજ મિલમાં મજૂરી કામ કરતો હતો. રાત્રે ધાબા પર પત્ની સાથે સુવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈઓ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર છરાથી હુમલો કરી દીધો હતો.
રામાનુજે હુમલો કરતા પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યારબાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. પિતાના હાથમાં દીકરી આવી જતા તેના પર છરાથી ઉપરાછાપરી 17 જેટલા ઘા માર્યા હતા. દીકરીના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી ચહેરાના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઈજાગ્રસ્ત માતા અને ત્રણ દીકરાઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને હત્યા કરનાર પિતા રામાનુજને ઝડપી પડ્યો હતો. દીકરી ચંદાના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.