સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમનું સંચાલન કરતા ટ્રસ્ટ દ્વારા વસવાટ કરતાં ગરીબ અને નિરાશ્રિતો સાથે ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવતો હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે.
સુરતના રાંદેર શેલ્ટર હોમમાં ચાલતી પ્રવૃત્તિ અંગે સ્થાનિક કોર્પોરેટરોની ફરિયાદને પગલે ખુદ મેયર દ્વારા આજે શેલ્ટર હોમની મુલાકાતે લેવાની સાથે વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત મળતી માહિતી અનુસાર સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારમાં ગરીબ અને નિરાશ્રિત નાગરિકોની સુવિધાને ધ્યાને રાખીને શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવે છે. જેનું સંચાલન સંસ્થા અને ટ્રસ્ટને સોંપવામાં આવતું હોય છે. આવી રીતે અડાજણ-ગોરાટ રોડ પર પાલિકાના શેલ્ટર હોમનું સંચાલન કરતા ટ્રસ્ટ દ્વારા ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર કેયૂર ચપટવાલા દ્વારા ફરિયાદ કરવામાં આવતાં આજે મેયર હેમાલી બોઘાવાલા દ્વારા શેલ્ટર હોમની મુલાકાત લેતાં અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. મેયર દ્વારા અધિકારીઓ પાસે આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરવાની સાથે જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા છે.
આ સંદર્ભે સ્થાનિક કોર્પોરેટર કેયૂર ચપટવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ શેલ્ટર હોમનું સંચાલન કરતા ટ્રસ્ટના સંચાલકો દ્વારા ધર્મના આધારે ભેદભાદ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેના આધારે તપાસ કર્યા બાદ હવે આગામી દિવસોમાં આ ટ્રસ્ટને બ્લેક લિસ્ટ કરવા અંગે પણ વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવશે. જેને પગલે ભવિષ્યમાં કોઈ અન્ય સંસ્થા કે ટ્રસ્ટ દ્વારા આ પ્રકારનું દુઃસાહસ ન કરવામાં આવે.