લિંબાયતના ભાવનાનગર પ્લોટમાં નિગર કલીનીક નામથી દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને લિંબાયત પોલીસે પકડી પાડયો હતો. બોગસ ડોકટરે ધોરણ 12 સાયન્સ ઝારખંડમાં પાસ કરી નર્સિંગ કોર્ષના આધારે ડોકટર બનીને સુરતમાં પ્રેક્ટિસ કરતો હતો.
પકડાયેલા બોગસ ડોક્ટરનું નામ મોહંમદ રહમત હાસીમ અંસારી(રહે,મંગલા પાર્ક સોસા,લિંબાયત,મૂળ રહે,ઝારખંડ) છે, પાલિકાની આરોગ્યની ટીમ અને લિંબાયત પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી દવાખાનામાંથી સ્ટિરોઈડ અને મલેરિયા સહિતના ઇન્જેકશનો ઉપરાંત ટેબ્લેટ અને સિરપ ઉપરાંત ગ્લુકોઝની બોટલો સહિત 20 હજારની દવાઓ મળી આવી હતી. બોગસ ડોક્ટર કલીનીકમાં પેશન્ટને બાટલા પણ ચઢાવી દેતો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે બોગસ ડોક્ટરે ઓગષ્ટ-22 માં દવાખાનું શરૂ કર્યુ હતું પછી જાન્યુઆરીમાં વતન ચાલી ગયો અને પાછો હાલમાં થોડા મહિના પહેલા આવ્યો હતો.
લિંબાયત પોલીસે અરજીના આધારે 15 મી એપ્રિલે ક્લિનિકમાં તપાસ કરવા માટે ગઈ હતી. તે દરમિયાન ક્લિનિકમાં ડોક્ટર પાસેથી પ્રેક્ટિસ માટે આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. આથી બોગસ ડોક્ટરે નોબેલ ઈન્ડસ્ટ્રીયઝ ઓફ વોકેશનલ એન્ડ પેરા મેડિકલ સાઇન્સ ગીરદી(ઝારખંડ)નું પેરામેડિકલ કોર્સનું સટિફીકેટ રજૂ કર્યુ હતું. જોકે આ સટિફીકેટ માન્ય નથી સાથે એલોપેથીક પ્રેક્ટિસ કરી શકે નહિ. આથી લિંબાયત પોલીસે પાલિકાની ટીમ સાથે 18 મી તારીખે ક્લિનિક પરથી બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી.