સુરતમાં આવેલા વિવિધ મંદિરોમાં રામધૂન, સુંદરકાંડ મહાપૂજા, મહાઆરતી, ભંડારા સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે પણ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. અહીં 4500 કિલો સવા મણી લાડુનો ભોગ હનુમાન દાદાને ધરવામાં આવશે. 1500 કિલોગ્રામ ચણાની દાળ, 2 હજાર કિલો ખાંડ, 70 તેલના ડબ્બા, સુક્કો મેવો મળીને 4500 કિલોનો લાડુ તૈયાર થશે. આ ઉપરાંત અહી 2 હજાર કીલો ગુંદી અને ગાઠીયા, 15 હજાર લીટર છાશ પૂરી, શાક, દાળ ભાત વગેરેનો પ્રસાદનું આયોજન કરાશે.
અટલ આશ્રમના મહંત બટુકગીરી મહારાજે કહ્યું કે, જે લાડુ તૈયાર કરવામાં આવ્યો છે તે અહી દર્શન કરવા આવનાર ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવશે. મંદિરમાં સવારે 11 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. લાડુ બનાવવાનું આયોજન વર્ષ 2004 થી કરવામાં આવ્યું છે. વર્ષ 2004 માં 551 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધીમે ધીમે વધારો થતો ગયો અને વર્ષ 2023 માં 4500 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. આ આયોજન અમે નહી પરંતુ સ્વયમ હનુમાન દાદા જ કરે છે. હનુમાન દાદા છે જ એટલે જ આ કાર્યક્રમ થાય છે.