સુરતમાં ભેસ્તાન સિદ્ધાર્થનગર ચાર રસ્તા પર બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ધોરણ-10 ની બોર્ડની પરીક્ષા આપવા જતી વિદ્યાર્થિની અને તેના પિતા ઈજાગ્રસ્ત થયા હતા. વિદ્યાર્થિનીને પગમાં ફ્રેક્ચર થતાં આજનું પેપર આપી શકી ન હતી. અકસ્માત થતાં 108 મારફત વિદ્યાર્થિનીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
વિદ્યાર્થિની પાંડેસરાની નવસર્જન સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે અને બોર્ડની પરીક્ષા ચાલે છે, જેનું ભેસ્તાન વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલયમાં પરીક્ષાનું કેન્દ્ર આવેલું છે. આજે અંગ્રેજીનું પેપર હોવાથી ઘરેથી પિતા અને પિતરાઈ બહેન સાથે નીકળ્યાં હતાં. પરીક્ષા કેન્દ્ર નજીક પિતા-પુત્રી અને ભાણેજની બાઈકનો રિક્ષા સાથે અકસ્માત થયો હતો, જેથી ત્રણેયને સામાન્ય ઈજા થઈ હતી. ત્યારબાદ 108 ને બોલાવવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સના વડોદ લોકેશનના ઈએમટી મહેન્દ્ર અને પાયલોટ જગદીશે ઘટના સ્થળેથી પ્રાથમિક સારવાર સાથે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વિદ્યાર્થિનીની પિતરાઈ બહેનને સામાન્ય ઈજા થઈ હોવાથી પરીક્ષા આપવા પહોંચી હતી. જ્યારે વિદ્યાર્થિની ક્રિમા અને તેના પિતાને વધુ ઈજા થઈ હોવાથી સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં.