સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના 17 ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને બરફના કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડતા ભર ઉનાળે કોતરો છલકાયા હતા.
ઉમરપાડાના નવી વસાહત વિસ્તારમાં ઉકાઈ ડેમ વિસ્થાપિત લોકો વસવાટ કરે છે અને મુખ્ય ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂત પરિવારો છે. ઉપરોક્ત વિસ્તારમાં ખોટા રામપુરા, ગુલીઉંમર, ઉમરદા, વડપાડા રાજનીવડ કોલવણ મોટીદેવરૂપણ સહિત 17 જેટલા ગામો આવેલા છે. ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સમયે વાતાવરણે એકાએક પલ્ટો લીધો હતો અને વાવાઝોડું ફૂંકાયું હતું. વીજળીના કડાકા ભડાકા અને બરફના કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં મોટી માત્રામાં બરફના કરા પડતા લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. આ વરસાદ એકથી દોઢ કલાક જોરદાર ખાબકતા ખેતરોમાં કમોસમી વરસાદના પાણી ભરાતા ખેડૂતોનો કૃષિ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ખેતરોમાંથી પાણી બહાર નીકળતા ભર ઉનાળે ચોમાસાની માફક કોતરો પાણીથી છલકાઈ ગયા હતા. ઉમરપાડાના નવી વસાહત વિસ્તાર નજીક આવેલા વડપાડાના જંગલોમાં ભારે વરસાદ પડ્યો હતો અને આ પાણી પણ સીધું કોતરોમાં આવતા ભર ચોમાસુ ચાલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ