સુરતના પાંડેસરામાં ઝડપાયેલી રૂ.5.64 લાખની અને SVNIT સર્કલ પાસેથી ઝડપાયેલી રૂ.2.70 લાખની ઈ-સિગારેટ સપ્લાય કરનાર રાંદેરના યુવાનને એસઓજીએ ઝડપી તેનો કબજો ઉમરા પોલીસને સોંપ્યો છે. ઝડપાયેલો યુવાન મુંબઈના ક્રાફર્ડ માર્કેટમાં ખુલ્લેઆમ વેચાતી ઈ-સિગારેટ ખરીદી સુરતમાં સપ્લાય કરતો હતો.
એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેર એસઓજીએ ગત 16 ફેબ્રુઆરીના રોજ પાંડેસરા બમરોલી રોડ પોલીસ કોલોનીની બાજુમાં ઈશ્વરનગર સોસાયટી ઘર નં.261 માંથી રૂ.5.64 લાખની ઈ-સિગારેટ કબજે કરી હતી.ત્યાર બાદ એસઓજીએ જ 22 ફેબ્રુઆરીના રોજ ડુમસ રોડ ઈચ્છાનાથ સ્થિત SVNIT સર્કલ પાસેથી રૂ.2.70 લાખની ઈ-સિગારેટ સાથે યુવાનને ઝડપી લીધો હતો. બંનેમાં સપ્લાયર તરીકે રાંદેરના મો.સાબૈર અબ્દુલ રઉફ રવાણી નામ બહાર આવ્યું હતું. દરમિયાન, એસઓજીના એએસઆઈ મુનાફ ગુલામ રસુલ અને ભરત દેવીદાસને મળેલી બાતમીના આધારે એસઓજીએ મો.સાબૈર અબ્દુલ રઉફ રવાણી ( ઉ.વ.30, રહે.16, ન્યુ જામીયા બિલ્ડીંગ, ફાયર સ્ટેશનની સામે, મોરાભાગળ, રાંદેર, સુરત ) ને ઝડપી લીધો હતો.તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે મુંબઈના ક્રાફર્ડ માર્કેટમાં ખુલ્લેઆમ વેચાતી ઈ-સિગારેટ ખરીદી સુરતમાં સપ્લાય કરે છે. ઘરેથી જ ઈ-સિગારેટ સપ્લાય કરતા સાબૈરનો કબજો એસઓજીએ ઉમરા પોલીસને સોંપ્યો છે.