સુરતમાં રખડતા કુતરાઓ દ્વારા હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાંદેર વિસ્તારમાં સાડા પાંચ વર્ષની બાળકીને ત્રણ દિવસ પહેલા હડકવાના લક્ષણો જોવા મળ્યા બાદ આજે મોત થયું હતું. આ બાળકી છ મહિના પહેલા કુતરાના સંપર્કમાં આવી હતી.
રાંદેરમાં પાલનપુર જકાતનાકા ખાતે રહેતા જૈનીશભાઈ છ માસ પહેલા તેમની સાડા પાંચ વર્ષની પુત્રી સાથે પગપાળા જતા હતા. તે સમયે બાળકીની પાછળ કુતરો દોડતા ગભરાઇને પડી ગઇ હતી. જેમાં બાળકીને ઇજા થતા જરૂરી સારવાર તેમજ ઇન્જેક્શન પણ અપાયું હતું. દરમિયાન બે-ત્રણ દિવસ પહેલા બાળકી તબિયત બગડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા ડોકટરોએ હડકવાના લક્ષણો હોવાનું જણાવ્યું હતું. જેથી બાળાને સોમવારે બપોરે સ્મીમેર હોસ્પિટલમાં પીઆઈસીયુ વોર્ડમાં દાખલ કરી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી પણ આજે સવારે બાળકીનું મોત નીપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકીને કૂતરાએ કરડયું ન હતું. પરંતુ હડકવાનાં લક્ષણો જોવા મળ્યાં હતા. બાળા પાણી, હવાથી ગભરાતી હતી. જેથી બાળકીના સંપર્કમાં કુતરો આવ્યો હોવાની શક્યતા છે. બાળકીને પડી જતા જે ભાગમાં ઇજા થઇ હતી. તે ભાગ પર કુતરાની લાળ લાગી હશે. તેને લીધે છ મહિના બાદ બાળકીને હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા.