સુરતના સચિન વિસ્તાર નજીકના કપ્લેથા ગામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ઘરના આંગણામાં રમી રહેલી બે વર્ષની માસૂમ બાળાનું નજીકમાં રહેતા યુવાને અપહરણ કરી દુષ્કર્મ આચાર્યા બાદ મોતને ઘાત ઉતાર્યાની ઘટના સચિન પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાય છે.
સુરતના છેવાડાના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારના કપ્લેથા ગામમાં રહેતા પરપ્રાંતીય પરિવારની બે વર્ષની બાળા ગત મોડી સાંજે ઘર પાસેથી રમતા-રમતા ગાયબ થઇ ગઇ હતી. અંધારૂ થવા છતા બાળકી રમીને પરત ઘરે નહીં આવતા પરિજનોએ શોધખોળ શરૂ કરી હતી. સમગ્ર સ્થાનિક વિસ્તાર ખૂંદી નાંખ્યો હોવા છતા બાળકીનો પત્તો નહીં મળતા માસૂમ સાથે કંઇક અજુગતુ થયાની આશંકા સાથે પરિજનો સચિન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. બે વર્ષની માસૂમ બાળા ગુમ થવાની બાબતને પોલીસે ગંભીરતાથી લઇ તુરંત જ અલગ-અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી. જે અંતર્ગત માસૂમ બાળા તેના ઘર નજીક રહેતા શાહીદ અહમદ પટેલ નામના યુવાન સાથે નજરે પડી હોવાનું જાણવા મળતા શાહીદની શોધખોળ કરી હતી. શાહીદ તેના ઘરે નહીં મળતા પોલીસે આજુબાજુનો ઝાડીઝાંખરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. જે અંતર્ગત માસૂમ બાળા કપ્લેથા ગામની ઝાડીમાંથી મળી આવી હતી અને માસૂમ સાથે જધન્ય કૃત્ય આચરી મોતને ઘાત ઉતારી હોવાનું જણાયું હતું. પોલીસે માસૂમનો મૃતદેહ કબ્જે લેવાની સાથે નરાધમ શાહીદ અહમદ પટેલને પણ વહેલી સવારે ઝડપી પાડયો હોવાનું જાણવા મળ્યું છે.