હીરાના વેપારમાં ખાસ કરીને જાડા હીરામાં વિકટ પરિસ્થિતિ છે. પતલા હીરામાં કામકાજ જોકે ચાલ્યા કરે છે. જાડા હીરાના ઉત્પાદનમાં મેન્યુફેક્ચરર્સને કાપ પણ મુકવો પડયો હતો. અઠવાડિયામાં બે રજા કે 8-10 દિવસ માટે એકમો બંધ પણ રાખવા પડયા હતા. આમ છતાં પણ કોઈ સુધારો આવ્યો નથી.
નજીકના દિવસોમાં સુધારો આવે એવા કોઈ સંકેત દેખાતાં નથી, એમ હીરા બજારના સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે કામકાજ ખૂબ જ ધીમા છે અને મંદી સૌને નડી રહી છે, જેની અસર હીરાના વેપાર ઉપર આવી છે. પોલીશ્ડ હીરામાં ભાવ 30-35 ટકા તૂટયાં પછી સ્થિતિ વધુ ખરાબ થઈ છે.
જાડા હીરામાં કામકાજ ઘટવા પાછળનું બીજું એક કારણ એ પણ છે કે 4-6 મહિના પહેલાં ભાવમાં આડેધડ વધારો થઈ ગયો હતો. એક રીતે ભાવમાં સટ્ટો જ ચાલ્યો હતો. વળી માઈનીગ કંપનીઓએ રફના વેચાણ માટે પોલીશ્ડ ઉંચા ભાવે ખરીદી કરવાની રમતને કારણે પણ અત્યારે માર્કેટ દબાવ્યું છે.
રફ વેચવા માટે હંમેશા રમત રમાતી રહી છે. પોલીશ્ડના ભાવમાં 4 વખત ઘટાડો થયાં પછી દેખીતી રીતે તેની અસર રફની ખરીદી ઉપર આવતી હોય છે. પરંતુ આ બધું એક સ્ટ્રેટેજીના ભાગરૃપે થતું હોય છે, જેનો મેન્યુફેક્ચરર્સને ખ્યાલ આવતો નથી. અને પોલીશ્ડના ભાવમાં નજીવો વધારો થાય ત્યારે મોટી માત્રામાં રફની ખરીદી માટે ધસારો થાય છે.