સુરતમાં ઠંડીના સુસવાટા વચ્ચે પાંડેસરા-વડોદ રોડ સ્થિત શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં ત્રાટકેલા બે ચોરે એટીએમનો સેફ્ટી લોક તોડી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવીમાં કેદ થયેલા બે ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.
શહેરમાં ઠંડીના સુસવાટા વચ્ચે સક્રિય થયેલા ચોર પાંડેસરા-વડોદ ગામ રોડ સ્થિત કમલા ચોક નજીક શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ત્રાટકયા હતા. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રાટકેલા બે ચોર એટીએમમાં ઘુસી સેફટી ડોર ખોલી તેમાંથી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેફટી ડોર તોડવામાં સફળતા મળી ન હતી. બીજી તરફ આ સમગ્ર ઘટના એટીએમ સેન્ટરના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. બે ચોર એટીએમમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરી રહ્યાની જાણ બેંકના એમ.એસ.એફના કંટ્રોલ રૂમમાં થઇ હતી. કંટ્રોલ રૂમના સુપરવાઇઝર લાલજી વિષ્ણુ દેવમુરારી (રહે. આદર્શ નગર, અમરોલી-છાપરાભાઠા રોડ) એ તેમના સહકર્મી રાકેશ અનંત શામલ (ઉ.વ. 34 હાલ રહે. વરેલી ગામ, કડોદરા, સુરત અને મૂળ. આઇ થીંકે ટેક્નો કેમ્પસ, પોખરણ રોડ, જિ. બાલેશ્વર ઓડીશા) ને જાણ કરતા તેમણે પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.