કાલુપુર રેલવે સ્ટેશને ચાલું ટ્રેનમાં બહાર ગામના મુસાફરોના કિંમતી માલ સામાન તથા સોના દાગીના દાગીનાના ભરેલા પર્સ અને મોબાઇલ સહિતની ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે છતાં પોલીસ દ્વારા ચોરીના ગુના ઉકેલી શકાતા નથી. તેવામાં વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં સુરતની યુવતી પરિવારજનો સાથે જોધપુરથી સુરત જતી હતી ત્યારે ચાલુ ટ્રેનમાં તેમનું રોકડ તથા દાગીના ભરેલું કુલ રૃા. ૨.૬૨ લાખની મત્તાનું પર્સ ચોરાયું હતું.
સુરતમાં પર્વત પાટિયા પાસે જૈન મંદિર નજીક પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અને અભ્યાસ કરતા શ્રુતીબહેન રાજેન્દ્રભાઇ જૈન (ઉ.વ.૨૨)એ કાલુપુર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી પોતાના પરિવારજનો સાથે તા.૧૫ ના રોજ જોધપુરથી સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને સુરત આવતા હતા.
દરમિયાન ચાલુ ટ્રેનમાં તેઓ અને તેમની મમ્મી સીટ ઉપર સૂતા હતા અને કોઇક અજાણી વ્યક્તિએ તેમના પર્સની ચોરી કરી હતી પર્સમાં રોકડા રૂ. ૧૨,૦૦૦ અને સોનાનું મંગળસુત્ર તથા ત્રણ સોનાની રિંગ સહિત દાગીના હતા. આ બનાવ અંગે કાલુપુર રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.