સૌજન્ય-સુરતઃ સ્પેશિયલ રાજધાની એક્સપ્રેસ ટ્રેન 252 કિમીનું અંતર 2 કલાક અને 25 મિનિટમાં કાપી મુંબઈથી સુરત પહોંચી હતી. સ્પેશિયલ રાજધાની ટ્રેનની આ સ્પીડ ટ્રાયલ હતી. જેમાં 2.25 કલાકમાં પહોંચી ગઈ હતી. અને ટ્રેનની આગળ અને પાછળ એન્જિન લગાવી 130 કિમીની ઝડપે દોડી હતી. હાલ રાજધાની ટ્રેન મુંબઈથી સુરતનું અંતર કાપતા 2.53 કલાકમાં લગાવે છે.
મુંબઈથી સુરત વચ્ચે 28 મિનિટનો સમય બચાવ્યો
સ્પેશિયલ રાજધાની અક્સપ્રેસ ટ્રેનનો સ્પીડ ટ્રાયલનો મુખ્ય હેતું મુંબઈથી દિલ્હીની સફર માત્ર 12 કલાકમાં પુરો કરવાનો છે. જેથી આગળ પાછળ એન્જિન લગાવી સ્પીડ ટ્રાયલ કરવામાં આવી હતી. આ ટ્રાયલમાં 18 એલએચબી કોચવાળી ટ્રેને મુંબઈથી સુરત વચ્ચે 28 અને મુંબઈથી વડોદરા વચ્ચે 33 મિનિટનો સમય બચાવ્યો હતો.
પ્રથમ ટ્રાયલમાં ઉમ્મીદથી સારું પ્રદર્શન
રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે, 6 દિવસના મળેલા શેડ્યુલનો આ પહેલો ટ્રાયલ હતો. વધુ ટ્રાયલ કરવામાં આવશે. જો ટ્રાયલ સફળ રહેશે તો આવનારા દિવસોમાં સ્પેશિયલ રાજધાની ટ્રેનને આગળ અને પાછળ એન્જિન લગાવી દોડાવવામાં આવશે. હાલમાં ચાલતી રાજધાની ટ્રેન અને અન્ય ટ્રેન સામે આ ટ્રાયલમાં ઉમ્મીદથી સારું પ્રદર્શન રહ્યું છે.
આરડીએસઓ સ્પેશિયલ ટ્રાયલ
આ ટ્રાયલ રિસર્ચ એન્ડ ડિઝાઈન સ્ટેન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન(આરડીએસઓ) અને પશ્વિમ રેલવે મળીને કરી રહ્યું છે. આ ટ્રાયલમાં જોવામાં આવી રહ્યું છે કે, આ ટેકનીકથી રાજધાનીની ઝડપ કેટલી વધારી શકાય છે. પહેલાં દિવસે સ્પેશિયલ રાજધાની ટ્રેનની આગળ અને પાછળ ડબ્લ્યુ એ પી 5 ઈલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન સાથે રવાના કરવામાં આવી હતી. 130 કિમી પ્રતિ કલાકની ઝડપથી આ ટ્રેન સુરત બાદ વડોદરા પહોંચી હતી. મુંબઈથી માત્ર 2.25 કલાકમાં આ ટ્રેન સુરત પહોંચી હતી. જ્યારે સુરતથી 1 કલાક 20 મિનિટમાં વડોદરા પહોંચી હતી. મુંબઈથી વદોડરા વચ્ચેનું અંતર 3.45 કલાકમાં પહોંચી ગઈ હતી.
સ્પેશિયલ રાજધાની ટ્રેનના વધુ ટ્રાયલ થશે
પશ્વિમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ટ્રાયલ હતી. અત્યારે આ ટ્રાયલના આધારે કોઈ પણ નિર્ણય પર પહોંચી શકાય નહીં. હજું ઓછામાં ઓછા 8થી 10 ટ્રાયલ થશે. જે ત્રણ ચરણોમાં કરવામાં આવશે. ત્યારે કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાશે. હવેની ટ્રાયલ 130 કિમીની ઝડપે વડોદરાથી કોટા સુધી કરવામાં આવશે. ત્યારબાદ મથુરાથી દિલ્હી સુધી 160 કિમીની ઝડપે ટ્રાયલ કરવામાં આવશે.
છ દિવસના મળેલા શેડ્યુલમાં ટ્રાયલ થશેઃ સીપીઆરઓ
પશ્વિમ રેલવેના સીપીઆરઓ રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે, આ ટ્રાયલ મુંબઈ-દિલ્હી રૂટ પર સમય બચાવવામાં માટે કરવામાં આવી રહ્યા છે. છ દિવસના મળેલા શેડ્યુલમાં આ પહેલી ટ્રાયલ મુંબઈથી વડોદરા વચ્ચે થઈ હતી. જેમાં મુંબઈથી સુરત વચ્ચે 28 મિનિટ અને મુંબઈથી વડોદરા વચ્ચે 33 મિનિટનો સમય બચાવ્યો હતો. આરડીએસઓ સાથે મળીને ટ્રાયલ કરવામાં આવી રહી છે.
ટેલ્ગો ટ્રેનને ટક્કર આપશે
સપ્ટેમ્બર 2016માં ટેલ્ગો ટ્રેનના થયેલા ટ્રાયલમાં 12 કલાકથી ઓછા સમયમાં દિલ્હીથી મુંબઈનું અતંર કાપ્યું હતું. 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી સ્પેનની ટેલ્ગો ટ્રેન દોડી હતી. જ્યારે સ્પેશિયલ રાજધાની ટ્રેનને 160ની સ્પીડે મથુરાથી દિલ્હી વચ્ચે દોડાવવાની ટ્રાયલ હાથ ધરવામાં આવશે. ટ્રાયલમાં સફળતા મળશે તો ટેલ્ગો ટ્રેનને ટક્કર મારી 12 કલાકમાં મુંબઈથી દિલ્હી પહોંચી જશે.
મુંબઈથી સુરત વચ્ચે અત્યારે લાગતો સમય
રાજધાની મુંબઈ- 2.53 કલાક
શતાબ્દી એક્સપ્રેસ- 3.6 કલાક
ગોલ્ડન ટેમ્પલ- 3.35 કલાક
મુંબઈથી વડોદરા વચ્ચે અત્યારે લાગતો સમય
શતાબ્દી- 4.38 કલાક
રાજધાની મુંબઈ- 4.18 કલાક
દુરંતો- 4.37 કલાક
ગરીબ રથ- 4.47 મિનિટ