સૌજન્ય-સુરતઃ ધરતી, પ્રકૃતિ, ખેડૂત અને ખેતી સાથે જીવ માત્રને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા અને પર્યાવરણને સમૃધ્ધ બનાવવાનાં અભિગમ સાથે વરાછાનાં વોલેન્ટિયર ફોર બેટર, સુરતની સેવા ટીમે વલસાડ જીલ્લાનાં ધરમપુરનાં પીપરોળ ગામને દત્તક લઈ સમાજ ઉત્થાન માટે વિશિષ્ટ સેવા પ્રવૃત્તિ શરૂ કરી છે. ગામમાં ખેડૂતોને આવકનો સ્ત્રોત મળે અને ગામ સમૃધ્ધ બને એ માટે ગામનાં ખેતરોમાં 4000 આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે.
200 સભ્યો લે છે ગામની મુલાકાત
ભવિષ્યમાં તેમાંથી જે ઉપજ આવશે, તેમાંથી ગામની ઈકોનોમીમાં વધારો થશે અને ગ્રામજનોનું જીવન ધોરણ ઉંચુ આવશે. આ સાથે ટીમનાં 200 જેટલા સભ્યો દ્વારા અવાર-નવાર ગામની મુલાકાત લઈ યોગ, સાધના અને સત્સંગ થકી ગ્રામજનોમાં આધ્યાત્મિકતાનો નવો સંચાર કરાયો છે. સાથે જ દિશા વિહીન રહેલા ગામનાં યુવાનો અને મહિલાઓને વિવિધ વિષયની તાલીમ અને સલાહ-સુચન પૂરૂ પાડી ગૃહ ઉદ્યોગ થકી સ્વરોજગાર માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે.
જીવન ધોરણ સુધારવા પ્રયાસ
વોલેન્ટિયર ફોર બેટર સુરતનાં હરીશ લખાણીએ જણાવ્યું હતું કે, ધરમપુર વિલ્સન હીલનાં ડુંગરાળ વિસ્તારમાં વસેલું નાનકડું ગામ છે. જ્યાં લોકો પાસે ખેતી સિવાય આવકનો અન્ય કોઈ સ્ત્રોત નથી. પરંતુ, ડુંગરાળ પ્રદેશ હોવાથી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી અને ઢાળ-ઢોળાવવાળી જમીન હોવાથી યોગ્ય ખેતી પણ થઈ શકે તેમ નથી. ગામનાં દરેક ખેડૂતનાં ખેતરમાં અમારા દ્વારા આંબાનું વાવેતર કરાયું છે. જેથી ભવિષ્યમાં તેમને વધુ આવક મળશે અને ગ્રામજનોનાં જીવન ધોરણમાં સુધારો આવશે.
યુવાનો-મહિલાઓને સ્વરોજગારની તાલીમ
ગ્રામ્ય વિસ્તારની સૌથી મોટી જરૂરિયાત રોજગારીની હોવાથી ટીમ દ્વારા ગામનાં યુવાનો અને મહિલાઓને વિવિધ ગૃહ ઉદ્યોગ માટે તાલીમ અને સુચન પુરૂ પાડી સ્વરોજગાર માટે પ્રેરિત કર્યા છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા યુવાનોને સુરતમાં ડાયમંડ, ટેક્ષટાઈલ અને હોટલ ઉદ્યોગમાં પણ રોજગારીની તકો મળે એ માટે પણ પ્રયાસ થઈ રહ્યાં છે. આ સાથે ગામના બાળકોને પણ પ્રજ્યાયોગ, રમત-ગમત, વ્યાયામ, સિંગીંગ વગેરે જેવા સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો યોજી ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ગામમાં સ્વયંભૂ દારૂબંધીનો સંક્લ્પ
ગામને દત્તક લીધા બાદ સેવા ટીમનાં યુવાનો ગામની મુલાકાતે જઈ મેડિકલ કેમ્પ, ભોજન વિતરણ, બાળકો માટે કપડા, સ્ટેશનરી વિતરણ કરી વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે. સેવા ટીમનાં જાગૃતિ કાર્યક્રમ હેઠળ દારૂની બદીને ડામવા માટે ગામની મહિલાઓ અને યુવાનો દ્વારા જાગૃતિરૂપે રેલી કાઢવામાં આવી હતી અને ગામમાં ચાલતી 20 જેટલી દારૂની ભઠ્ઠી બંધ કરી સ્વયંભૂ દારૂબંધીનો સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત ગ્રામજનોને યોગ, સાધના અને સત્સંગ થકી આધ્યાત્મિક જીવન તરફ આગળ વધવા પ્રયાસ કરાયો છે.