સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામની સીમમાં 1 અઠવાડિયા પહેલા ટ્રક ચાલકને આંતરી ચપ્પુની અણીએ લૂંટી લેવાની ઘટના બની હતી. જે મામલે એલ.સી.બી પોલીસે તપાસનો દોર શરૂ કરી ગણતરીના દિવસોમાં જ લૂંટ ચલાવનાર 2 આરોપીઓની અટક કરી લીધી છે. એક અઠવાડિયા અગાઉ કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે લૂંટની ઘટના બની હતી.
ફાઉન્ટેઇન હોટલ નજીક નેશનલ હાઇવે નં. 48 ઉપર એક ટ્રકનાં ચાલકને રાત્રિના અંધારના સમયમાં 3 જેટલા અજાણ્યા આરોપીઓએ ચપ્પુ બતાવી મોબાઇલ અને રોકડ રકમની લૂંટ કરી નાસી ગયા હતા. જે મામલે સમગ્ર જિલ્લાની પોલીસ કામે લાગી હતી. તે દરમિયાન જિલ્લા એલ.સી.બીનાં પી.આઈ બી.ડી.શાહ અને એસ.ઓ.જીનાં પી.આઈ બી.જી. ઇસરાણીએ અલગ અલગ ટીમ બનાવી તપાસનો દોર શરૂ કર્યો હતો.
લૂંટના ગુનામાં સંડોવાયેલા 3 પૈકી બે આરોપીઓ કામરેજના ઘલા રોડ ઉપર આવેલા ગાય પગલાં જવાના ત્રણ રસ્તા પર ઉભેલા હોવાની બાતમી પોલીસને મળતા તેઓએ રેડ કરી હતી. રોડ કરતાં અનિકેત મહેશભાઈ વસાવા તેમજ નિલેશ રવિભાઈ વસાવાની અટક કરવામાં આવી છે. બંને પાસેથી લૂંટ કરેલા વિવો કંપનીનો મોબાઇલ, અંગ ઝડતીનો મોબાઇલ તેમજ રોકડ મળી 17, 870 નો કુલ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.