જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત ની કામરેજ તાલુકાની ખોલવડ પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવેલ. સર સયાજીરાવ ગાયકવાડના રાજ્યમાં સ્થપાયેલી આ શાળાએ 125 વર્ષ પૂર્ણ કર્યા આ દિવસે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવંતા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. શાળાના આચાર્ય ધર્મેશભાઈ દ્વારા સહુ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પી સ્વાગત કરાયું. આજના અવસરે સૌને પ્રીતિ ભોજન કરાવનાર અને શાળા માટે હંમેશા તત્પર રહેતા શામળાબાપા મંદિરના ગાદીપતિ પૂજ્ય આનંદ બાપુનું શાલ ઓઢાડી, પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. ઉપસરપંચ હારુનભાઈ તૈલીએ કાર્યક્રમ માટે મંડપ ને સ્ટેજની વ્યવસ્થા કરી આપી હતી અને શાળાને 100 ખુરશી દાનમાં આપવાની જાહેરાત કરી હતી. તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ધર્મેશભાઈએ શાળાની સવાસો વર્ષની શિક્ષણ યાત્રાની ઝાંખી કરાવી હતી. શાળાના સ્થાપના દિન નિમિત્તે ઉમંગ અને હર્ષોનાદ સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી. શાળાના વિધાર્થીનો પણ જન્મદિવસ હતો.શાળાની બાલિકાઓએ બર્થ ડે સોન્ગ રજૂ કર્યું હતું.
અત્રે ઉપસ્થિત એવા વાલી, શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ શાળાના પૂર્વ આચાર્ય તથા શિક્ષકોએ પોતાના સંસ્મરણો રજુ કર્યા હતા. શાળામાં પ્રવેશ મેળવ્યો અને વટવૃક્ષ બન્યાના અહોભાવ સાથે સૌ એ પોતાના કાર્યકાળના દિવસોને વાગોળ્યા હતા. યુએસએ અને યુકેથી ખાસ પધારેલા એન.આર.આઈ ઓ મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, વિપિનભાઈ પટેલ, U.S. A પ્રવીણભાઈ બી. પટેલ ઉકેલ તથા ભરત ભાઈ ટી. પટેલ, અનિલભાઈ એસ પટેલ. તથા પધારેલ મહેમાનો એ શાળાને માતબર દાન આપ્યું હતું. રાજુભાઈ જીવાભાઈ કસોટીયા એ શાળાને હાર્મોનિયમ અને ચાર પંખાની જાહેરાત કરી હતી. શાળાના શિક્ષક દિનેશચંદ્ર સોલંકી અને અમિતભાઇ પુરોહિતે સફળ સંચાલન કર્યું હતું. શાળા શિક્ષિકા પ્રીતિબેન પટેલે આભાર વિધિ કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ