સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા કવિ નર્મદ ગાર્ડનમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમી રહેલા 11 લોકોને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે, રાંદેર વિસ્તારમાં આવેલા કવિ નર્મદ ગાર્ડનમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડી જુગારના ધંધા પર આંકડો લખનાર, તેમજ આંકડો લખાવનાર અને વરલી મટકાનો જુગાર રમી રહેલા લોકો મળી કુલ 11 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે 8 મોબાઈલ ફોન, 2 ટુ-વ્હીલર, ચિઠ્ઠીઓ મળી કુલ 92,840ની મત્તા કબજે કરી હતી. તમામ લોકો સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને રાંદેર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીપક નારાયણ પોલેકર (જુગારના ધંધા પર આંકડો લખનાર, રહે, વેડરોડ કતારગામ), અનીલ સંતોષભાઈ મરાઠે (આંકડો લખનાર, રહે, વેડરોડ કતારગામ), મનુ ભગુભાઈ રાઠોડ (રહે, ઊગતરોડ, રાંદેર), મહેન્દ્ર રામભાઈ વસાવે (જુગારના ધંધા પર આંકડો લખાવનાર ગ્રાહક), જગત નીવાસનભાઈ હિરવા, સુનીલ જતનભાઈ રાઠોડ (રહે. હનીપાર્ક રોડ, અડાજણ), શ્યામસુંદર નવોકુમાર મલિક, દીપક સોમચંદ કસારા (રહે.ડભોલી ચાર રસ્તા, સુરત), યોગેશ નવીચંદ મૈસુરીયા (રહે.પાલનપુર જકાતનાકા, સુરત), પ્રદીપ દિલીપ સિંગ પાટીલ (રહે.જહાંગીરપુરા , સુરત), અશોક જીવનભાઈ મહેતા (રહે.કોઝવે રોડ, સુરત) નાઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત આંકડાની ચિઠ્ઠીઓ લઈ જનાર સલીમ ચાચા, આંકડાનો ધંધો ચલાવનાર સાઈદા નામની મુખ્ય મહિલા અને કટિંગ લેનાર હેમંત કાકા નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.