દવાના બનાવટી બિલના ઓથા હેઠળ આંતરરાજ્ય વિદેશી દારૂ સપ્લાય કરવાનું નેટવર્કનો સુરત જિલ્લા LCB પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે કામરેજ તાલુકાનાં વાવ ગામ નજીકથી એક કન્ટેનરમાં ભરેલો 42.16 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
સુરત જિલ્લા LCB પોલીસ અલગ અલગ ટીમ બનાવી સુરત ગ્રામ્યમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કન્ટેનરનો ચાલક પોતાના કબ્જાના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઈથી અમદાવાદ જતાં નેશનલ હાઇવે નંબર 48 પર અમદાવાદ તરફ જનાર છે. આ બાતમીના આધારે પોલીસ કામરેજ તાલુકાનાં વાવ ગામની સીમમાં નેશનલ હાઇવે પર નાકાબંધી ગોઠવી વોચમાં હતી. તે સમયે બાતમીવાળું કન્ટેનર આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા કન્ટેનરમાંથી દવાના બિલના ઓથા હેઠળ વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે કન્ટેનર ચાલક પ્રકાશ નરશિરામ સાયરામ દેવાંશીની અટક કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દવાના બનાવટી બિલ બનાવી તેના ઓથા હેઠળ ગોવાથી ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર હેરફેર કરવામાં આવતી હતી. પોલીસે કન્ટેનર માંથી 27540 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ 42 લાખ 16 હજાર 800, કન્ટેનર કિંમત રૂ, 20 લાખ, બે મોબાઇલ ફોન કિંમત રૂ. 10 હજાર 500, રોકડા રૂપિયા 1910 મળી કુલ 62 લાખ 29 હજાર 210 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.