સુરતમાં આચારસંહિતા લાગુ હોવા છતાં આચારસંહિતાનો ભંગ કરી પત્રિકાઓ અને ભાજપની ડાયરીઓ વહેંચી રહ્યા હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એક કારમાંથી આ પ્રકારની સામગ્રીઓ અને એક દારુની બોટલ મળી આવી હતી.
આચારસંહિતા હોવા છતાં ભાજપના લોકોએ આચારસંહિતાનો ભંગ કરીને ત્રણ-ચાર લોકો સાથે મળીને ભાજપના પેમ્ફલેટ અને ડાયરીઓ વરાછામાં વેચી હોવાનો આરોપ કથિરીયા દ્વારા વાયરલ વીડિયોમાં કરવામાં આવ્યો છે.
વરાછા વિધાનસભા બેઠકના ચોક્સી બજારમાં દારૂની બોટલો અને પુસ્તકો ભરેલી પેટી ઝડપાઈ છે. જેને લઈને વરાછામાં રાજકારણ ગરમાયું છે. જે અંગે અલ્પેશ કથીરીયાએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો ખુલાસો કરી ફરિયાદ નોંધાવી હતી. વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથિરીયા તેમની ટીમ સાથે પહોંચ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં અલ્પેશ કથીરિયાની હાજરી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. અલ્પેશ કથીરિયા ખુદ કહી રહ્યા છે કે ભાજપના પેમ્ફલેટ અને દારૂની બોટલો છે.
વીડિયોમાં અલ્પેશ કથીરિયા આક્ષેપ લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ પણ વોચમેનની મદદથી મીની બજાર અને ચોક્સી માર્કેટની આસપાસના વિસ્તારોમાં ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવા માટે પૈસા આપવામાં આવ્યા છે. કથિરીયાનું કહેવું છે કે, વાહનમાંથી જે રીતે ચૂંટણીની સામગ્રી મળી આવી છે તે જોતા સ્પષ્ટ થાય છે કે આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે. ચોક્સી માર્કેટના વેપારીઓનો ખૂબ ખૂબ આભાર, જેમણે પોતે મને આ બાબતની જાણ કરી.