આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપલ ઈટાલિયાએ સુરતથી દાવેદારી નોંધાવી છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કતારગામના આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા સામે એફઈડેવીટ અનુસાર 17 કેસ નોંધાયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ એફઈડેવીટમાં સંપત્તિથી લઈને દરેક પ્રકારનો ઉલ્લેખ કકવો જરૂરી છે. જેમાં કેસોથી લઈને સંપત્તિ કેટલી છે તેની વિગતો સામે આવી છે.
આખા બોલા આપ નેતા ગોપાલ ઇટાલિયા સામે નોંધાયેલા ફોજદારી કેસોમાં રાજ્યભરમાં 2020 થી 2022 સુધીમાં 17 કેસ નોંધાયા છે. જેમાં ફરજમાં અવરોધ કરવો, જાહેર કરાયેલા આદેશોનો અનાદર કરવો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો સહીતના કેસો નોંધાયા છે.
ગોપાલ ઈટાલિયા દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ, તેમના પરિવાર સાથે મળી તેમની કુલ સંપત્તિ 7.86 લાખ છે. જેમાં 1.10 લાખની કિંમતનું સોના સાથે જંગમ મિલકત 1.13 લાખ રૂપિયા છે. તેમાં પણ વિગતવાર જોઈએ તો જંગમ મિલકત રૂ. 1.13 લાખ બેંકમાં પત્ની સાથેની રકમ રૂ. 5.33 લાખ, વાહન: રૂ. 30,000, સોનું: રૂ. 1.10 લાખ સહીતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રીયા તેજ કરવામાં આવી રહી છે. આજે અંતિમ દિવસે ફોર્મ તમામ ઉમેદવારો દ્વારા ભરવામાં આવશે. આજે 14 જિલ્લાની 93 બેઠકો પર બાકીના ઉમેદવારો ફોર્મ ભરશે. આપના બાકી ઉમેદવારોની ફોર્મની પ્રક્રીયા પણ પૂર્ણ થશે. બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં અંદાજીત 900 થી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે એફઈડેવીટમાં સંપત્તિ પણ જાહેર કરવામાં આવી રહી છે.