ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે ખેતરમાં પડી ગયેલ વીજ પોલ ઉભો કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં ઉમરપાડા વીજ કંપનીના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ બેદરકાર બનતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ઉભારીયા ગામના ખેડૂત છનાભાઈ ચામળભાઈ ચૌધરીની માલિકીની સર્વે નંબર 36 વાળી જમીનમાં છેલ્લા કેટલાક સમયથી કૃષિ વીજ લાઈનનો વીજપોલ પડી ગયો છે. આ બાબતે ખેડૂત દ્વારા વીજ કંપનીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉભારીયા ગામના સરપંચ દ્વારા વીજ કંપનીના ઇજનેરને લેખિતમાં પણ રજૂઆત કરી છે છતાં કોઈપણ જાતની કામગીરી વિજ કંપની દ્વારા કરવામાં આવતી નથી. હાલમાં શિયાળુ પાક ખેડૂતો લેતા હોય છે જેથી વીજળીની તાતી જરૂરીયાત ખેડૂતોને હોય છે ત્યારે ખેતરમાં પડી ગયેલ વીજપોલ તાત્કાલિક ધોરણે ઊભો કરવામાં આવે તેવી ખેડૂતની માંગ છે. વીજ કંપની દ્વારા ખેડૂતની ફરિયાદ સંદર્ભે કોઈ કાર્યવાહી નહીં થાય તો આખરે ઉચ્ચકક્ષાએ જવાબદારો અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવા રજૂઆત સરપંચ અને ખેડૂત કરનાર છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ