જલારામ બાપાની આજે 223 મી જન્મજયંતિની સુરતના વિવિધ વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના જલારામ મંદિરમાં જય જલિયાણનો નાદ ગુંજી રહ્યો છે. મોટી સંખ્યામાં સવારથી જ ભાવિકો જલારામ બાપાના દર્શન કરવા માટે ઉમટી રહ્યાં છે ત્યારે ભાવિકો દ્વારા મોરબીના ઝુલતા પૂલની દુર્ઘટનામાં અવસાન પામેલા માટે વિશેષ પ્રાર્થના કરી હતી. સાથે જ લસકાણા અને ભાગળ ખાતે આવેલા જલારામ મંદિરમાં મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યાં છે.
લસકાણા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર દ્વારા બાપાનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. શોભાયાત્રા સહિતના અગાઉ નિર્ધારિત થયેલા કાર્યક્રમો પ્રમાણે ઉજવણી કરવામાં આવી રહી છે. ભાગળ ખાતે આવેલા બાલાજી રોડ પરના શ્રી જલારામ મંદિરે આ વર્ષે જલારામ બાપાની 223 મી જન્મ જયંતી છે તે નિમિત્તે ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેના દર્શન અર્થે વહેલી સવારથી જ સુરતના જલારામ બાપાના ભક્તો આવ્યા છે. છેલ્લા બે વર્ષથી સાદાઈ પૂર્વક કોરોના વાઈરસના કારણે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી નહોતી, ત્યારે આ વર્ષે ભંડારાનું આયોજન થકી ઉજવણી કરવામાં આવી છે.
સૌજન્ય