સૌજન્ય-સુરતઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સડક માર્ગ દેનાર દરિયાઈ માર્ગે ચાલનાર ઘોઘા અને દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ ઉદ્ઘાટન ત્રીજા નોરતે ઘોઘા ખાતે કરાશે. અને પ્રથમ તેર દિવસ સુધી દરરોજની બે ફેરી ઘોઘાથી અને બે ફેરી દહેજથી શરૂ કરવામાં આવનાર હોવાનું ફેરી ઓપરેટરો દ્વારા જણાવવામાં આવ્યું છે. રો-રો ફેરીના આ બીજા ફેઝમાં વાહનો પણ દરિયાઈ સફર કરી શકશે. જે માટે નવી સ્ટીમર પણ આવી ગઈ છે. હાલ આ સ્ટીમર ઘોઘા ખાતે રાખવામાં આવી હોવાનું જાણવામળ્યું છે.
13 દિવસ 2 ટ્રિપ થશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઘોઘા અને દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ફેરી સર્વિસમાં 12મી તારીખે શુક્રવારે ત્રીજા નોરતે સવારે 8 કલાકે ઘોઘા ખાતેથી પ્રથમ જહાજ ઉપડશે અને દહેજ સવારે 9.30 કલાકે પહોંચી જશે. ત્યારબાદ દહેજથી 9 કલાકે ફેરી સર્વિસ ઉપડી અને ઘોઘા ખાતે 10.30 કલાકે આવી પહોંચશે. ઘોઘા ખાતેથી રાત્રીના 12 કલાકે ફરી વખત પોતાની જળ મુસાફરી ખેડીને રાત્રે પહોંચશે.
નવી સ્ટીમરની વિશેષતાઓ
રો-રો ફેરીના બીજા ફેઝ માટે આવેલી નવી સ્ટીમરની મુસાફરીથી મુસાફરોનો સમય બચશે અને મુસાફરોને ક્રૂઝ સ્ટીમર જેવો અનુભવ પણ મળશે. VIP માટે બેસવાની અલગ સુવિધા, VIP એરિયામાં સલૂન સાથે જ ફૂડકોર્ટ અને અટેચ્ડ બાથરૂમ હશે. એક્ઝિક્યુટિવ પેસેન્જર્સ માટે અલગ સીટિંગ એરિયા અને અટેચ્ડ વોશરૂમ, ફૂડકોર્ટ હશે. ઈકોનોમિ પેસેંજર એરિયામાં પણ વોશરૂમ અટેચ્ડ હશે. સ્ટીમરના બે છેડા પર 1-1 રેમ્પ, કાર માટે બે ડેક હશે જેમાં 10 મીટરના લોડેડ વ્હિકલ લઈ જવાશે. ડેક સુધી વોલ્વો બસ પેસેન્જર સાથે આવી શકશે અને ત્યાંથી આગળ ચાલીને જવા માટે પેસેન્જર્સ માટે ખાસ વોક-વે. પેસેન્જરના મનોરંજન માટે સ્ટીમરમાં ટીવી અને મ્યુઝિકની સુવિધા હશે.
ફેઝ 1માં માત્ર પેસેન્જર સ્ટીમર મારફતે દરિયાઈ મુસાફરી થતી હતી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વપૂર્ણ ગણાતા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત વર્ષનાં 22 ઓક્ટોબર રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક મહિના સુધી ઘોઘાથી દહેજ સુધી માત્ર પેસેન્જર સ્ટીમર મારફત દરિયાઈ મુસાફરી કરવામાં આવતી હતી. તેમજ આ પ્રોજેક્ટ મારફતે ટ્રાન્સપોર્ટેશન પણ કરવામાં આવનાર હોય જે લિન્કસ્પાન નહીં લાગવાના કારણે માત્ર ફેઇઝ-1 માં માત્ર ફેરી સર્વિસને ચાલુ કરવામાં આવી હતી.
દોઢ કલાકમાં જ દહેજથી ઘોધા પહોંચાડશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર અને મુસાફરી ઘટાડવા ઉપરાંત રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રાફિક હળવો કરવાના આશયથી રો-રો ફેરીની શરૂઆત કરવામાં આવી છે. બંને સ્થળનું અતર 360 કિમી અને 8 કલાક જેટલો સમય લાગતો હતો. જોકે, ફેરીની શરૂઆત બાદ દોઢ કલાકમાં દહેજથી ઘોઘ પહોંચી શકાશે. અને એ પણ હવે વાહન સાથે પહોંચી શકાશે.