ઉમરપાડા તાલુકા મથક ખાતે નવનિર્માણ યુવા સંગઠન અને સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોએ આદિવાસીના ખોટા પ્રમાણપત્રો લેનારા અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા સહિત કુલ ચાર અલગ અલગ કનડતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ દેખાવો વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આદિવાસી સમાજ દ્વારા વ્યારા, માંડવી, વાલીયા, દેડીયાપાડા, માંગરોળ, સોનગઢ સહિતના તાલુકાઓમાં આદિવાસીના ખોટા પ્રમાણપત્ર મુદ્દે આવેદનપત્રો આપી લડત ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઉમરપાડામાં નવનિર્માણ યુવા સંગઠન અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ઉમરપાડા એસટી ડેપોથી મામલતદાર કચેરી સુધી રેલી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુવા સંગઠનના આગેવાન સ્નેહલભાઈ વસાવાની આગેવાની હેઠળ કાર્યકરો ધર્મેશ વસાવા ગજેન્દ્ર વસાવા વગેરે એ ઉમરપાડા મામલતદાર કિરણસિંહ રણાને એક આવેદનપત્ર આપી આગેવાનોએ જણાવ્યું કે ભારતના સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ધોર અન્યાય થઈ રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા જારી કરેલ મુખ્યમંત્રી કૃષિ ઉદ્યોગ યોજના અંતર્ગત ઉમરપાડા તાલુકાના લાભાર્થી તરીકે ઘણા બધા બોગસ લાભાર્થીઓના નામનો સમાવેશ થયો છે જેથી સાચા આદિવાસી લાભાર્થીઓ લાભથી વંચિત છે. આ નામો રદ કરવામાં આવે અને બોગસ લાભાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જામખંભાળિયામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રતિલાલભાઈ વસાવાને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમને ફરી ફરજ ઉપર હાજર કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સોનગઢ તાલુકાના બોરદા વિસ્તારમાં જંગલની જમીન ખેડતા 20 જેટલા આદિવાસી પરિવારોને માર મારી દેવના ઝુંપડા સળગાવી દેવામાં આવ્યા છે. આ કૃત્ય કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગરીબ પરિવારોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મેડિકલ તેમજ આર એન બી ની ભરતી પ્રક્રિયામાં એસટી ઉમેદવારોને વ્યાપક અન્યાય થઈ રહ્યો છે તે દૂર કરવામાં આવે વગેરે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં રાષ્ટ્રપતિના.તા.૬/૯/૧૯૫૦ તથા તા. ૨૯/૧૦/૧૯૫૬ નું મોડીફાઈડ નોટીફિકેશનનું ઉલ્લંધન કરીને કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે તા.૧૪/૯/૨૨ ના રોજ ૧૨ જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવાની જાહેરાત કરેલ છે તે તાત્કાલિક રદ કરવામા આવે તેમજ નિયામક આદિજાતિનો તા.૧૫/૬/૨૨ નો ગેર બંધારણીય પત્ર રદ કરવામા આવે રબારી, ભરવાડ અને ચારણ જાતિને બક્ષીપંચમા સમાવેશ કરો, તમામ ક્ષેત્રે આદિવાસીના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરી કાયદેસરની કાર્યવાહી કરો, ગુજરાત સરકારનાં આદિવાસી વિકાસ વિભાગનો તા. ૪/૮/૦૨૨ નો ગેર બંધારણીય પરિપત્ર તાત્કાલિક રદ કરો, તેમજ જાતિ પ્રમાણપત્ર આપવા માટે નિયામક આદિજાતિ, ગાંધીનગર એ કરેલ તા.૧૫/૬/૦૨૨ નો પત્ર ગુજરાત સરકારે જાતિ પ્રમાણપત્ર આપવા અને નિયમન કરવા બાબતે બનાવેલ તા. ૧૯/૯/૦૨૨ નાં નિયમોનો ભંગ કરેલ છે. જેવા વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ન્યાય આપવામાં આવે તેવી અપીલ કરીએ છે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચિમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી છે. આ કાર્યક્રમમાં અંકુશભાઈ વસાવા, સાગરભાઇ વસાવા, પ્રભુભાઈ વસાવા, સુરેનભાઈ વસાવા, સેમ્યુઅલ વસાવા, ચિરાગ વસાવા, ગૌતમ વસાવા, યોગેશ વસાવા, સુભાષ વસાવા, મેહુલ વસાવા, નીરજ પાડવી ઉમરડા, રતિલાલ વસાવા, શરીફ વસાવા, અશોક વસાવા, પંડિત માલીયા વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ