આ વખતે ગરબા પર જીએસટી લેવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જીએસટી લગાવવાના આ નિર્ણયનો આપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અનોખી રીતે વિરોધ કરાયો હતો. રસ્તા પર જ આપ પાર્ટીના કાર્યકરોએ ગરબા ગાઈને આ નિર્ણયનો વિરોધ કરતા પોલીસ દ્વારા આપ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ટીંગાટોળી કરીને આપ પાર્ટીના કાર્યકરોને લઈ જવામાં આવ્યા હતા.
આ દરમિયાન આપ પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, ગરબા રમવા પર 18% GST નાખીને આ લૂંટેરી અને ભ્રષ્ટ ભાજપ સરકારે ગુજરાતની અસ્મિતાને દુભાવે છે ત્યારે – ગરબા પર GST લાદવો એ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન છે તેમ તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું.
આગામી સમયમાં નવરાત્રિ આવી રહી છે ત્યારે નવરાત્રિ પહેલા આ પ્રકારે ગરબાના પાસ પર જીએસટી લગાવવામાં આવતા વિરોધ પ્રદર્શન આપ પાર્ટી દ્વારા સુરત સિવાય રાજકોટ, મોરબી, જામનગ સહીતના વિવિધ શહેરોમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગરબા રમવા પર 18% GST મામલે અમદાવાદ, તાપી, પાટણ અને સાબરકાંઠા ખાતે વિરોધ કરવામાં આવ્યો. ત્યારે સુરતમાં ગરબા રમતા આપના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.