આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે સુરત શહેર સહિત જિલ્લાના તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. મંદિરોમાં ભક્તોને લઈને વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ મંદિરોમાં પણ ભગવાનની પૂજા અર્ચના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે.
શહેરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. સવારથી અત્યાર સુધી મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગી છે. ભક્તો પૂજા-પાઠ, દૂધ અભિષેક, બિલ્વીપત્ર ચડાવીને મહાદેવને પ્રસન્ન કરી રહ્યાં છે. તેમજ ઘણા ભક્તોને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ઉપવાસ હોવાથી પણ ભગવાનના દર્શન કરવા ઉમટ્યાં છે.
મંદિરો દ્વારા શ્રાવણ માસને લઈને રોજે રોજ અલગ અલગ આયોજન કરવામાં આવતાં હોય છે. ત્યારે શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવને વિશેષ શણગાર મંદિરોમાં કરવામાં આવ્યો છે. સાથે જ અલગ અલગ કાર્યક્રમો પણ મંદિર દ્વારા કરવામાં આવ્યાં છે.