ગાંધીના ગુજરાતમાં દારૂબંધી પર પ્રતિબંધ છે પણ ગુજરાતમાં ખુલ્લેઆમ કેમિકલ યુક્ત દારૂ વેચાય છે જેનું તાજું ઉદાહરણ બોટાદ લઠ્ઠાકાંડ પરથી સામે આવ્યું છે. ઝેરી દારુકાંડથી ૫૭ જેટલા લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ૪૦ જેટલા લોકો સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે લઠ્ઠાકાંડ મામલે પોલીસ અને સરકાર બન્નેની પોલ ખુલી ગઈ છે અને એમ પણ ગુજરાતમાં કહેવત છે કે દારૂબંધી ગુજરાતમાં છે પણ વધારે દારુ ગુજરાતમાં જ પીવાય છે. ત્યારે લઠ્ઠાકાંડ બાદ ગુજરાતની પોલીસ અને સરકાર બન્ને જાગી ગઈ છે અને ત્વરિત કાર્યવાહી શરુ કરી છે.
બોટાદ લઠ્ઠાકાંડ બાદ દરેક જીલ્લાઓની પોલીસ એક્શનમાં આવી ગઈ છે ત્યારે સુરત જીલ્લા પોલીસ અને શહેર પોલીસ પણ કામગીરી કરતી નજરે પડી હતી. સુરત શહેરે તાપી નદીના કિનારાઓ પર ચેકિંગ કરી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો ત્યારે સુરત જીલ્લા પોલીસે તાપી નદીનો પટ વિસ્તાર અને ખાડીના કિનારાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. કથીત લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાના કારણે 55 થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે રાજ્યની પોલીસ દેશીદારૂના વેપલાને સદંતર ડામવા માટે એક્શનમાં આવી છે. સુરત ગ્રામ્ય ડી.એસ.પીની ભઠ્ઠીઓ, બનાવટ, વેચાણ તેમજ રસાયણનાં વેચાણ પર રોક લગાવવા તમામ પોલીસ મથકોને કડક સૂચન કર્યું હતું જે અંતર્ગત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રૂરલ પોલીસ દ્વારા વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોન ઉડાવી દેશી દારૂનું દુષણ ડામવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સુરત જીલ્લાના કામરેજના ડીવાયએસપી બી.કે.વનારે ડ્રોન દ્વારા ચેકિંગ કર્યું હતું અને દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો ત્યારે પોલીસની કામગીરીથી દેશી દારૂનું વેચાણ કરતા લોકો અને સેવન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.