સુરત જીલ્લામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. સુરત જીલ્લાના કામરેજ તાલુકાના ઓરણા ગામે આવેલી સહકારી મંડળીમાં તસ્કરો ૧.૯૦ લાખની રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે તસ્કરો પણ શાતીર હતા ફક્ત રોકડ લઇ અન્ય કાગળો સહી સલામત છોડીને જતા રહ્યા હતા. જોકે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
કામરેજ તાલુકાના ઓરણા ગામે આવેલી ઓરણા ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના પાછળની શટર તોડી ચાર અજાણ્યા તસ્કરો મંડળીના મકાનમાં ઘુસી લોખંડની તિજોરી બહાર ખેતરમાં લઈ જઈ તોડી નાંખી તેમાંથી રોકડા રૂ.૧.૯૦ લાખ ચોરી ગયા હતા. જ્યારે તિજોરીમાં મુકેલા અગત્યના કાગળો, વીમા પોલિસી અને બેંકની ડિપોઝિટની રસીદો સલામત મળી આવી હતી. શનિવારે સાંજે નિત્યક્રમ મુજબ સાંજે ૫-૩૦ વાગ્યે મંડળીની મકાનને બંધ કરી તાળા મારી બધા ઘરે ગયા હતાં. આ દરમિયાન રવિવારે સવારે પાર્લરના કર્મચારી સતીશ રાઠોડ મંડળીના મકાને પહોંચતા મંડળીનું પાછળનું શટર તૂટેલી હાલતમાં જોતાં પ્રમુખ જીગ્નેશ ભક્તને ફોનથી જાણ કરી હતી. જેથી જીગ્નેશ ભક્ત અને ડિરેક્ટરો મંડળી પર પહોંચતાં પાછળનું શટર તોડી તસ્કરો મકાનમાં ઘુસેલા હતા અને મંડળીની પાછળ ખેતરમાં મંદિરની બાજુમાં તિજોરી તૂટેલી હાલતમાં પડેલી હતી. જીગ્નેશ ભક્તે કામરેજ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પહોંચી મંડળીના ડિરેક્ટરો સાથે ઓફ્સિમાં જઈને જોતાં મંડળીની તિજોરી બહાર કાઢી તોડેલી હતી. તસ્કરોએ ઓફિસની અંદર તમામ ટેબલના ખાનાઓ તોડી નાંખી ટેબલ પરના કાચ તોડી સામાન વેરવિખેર કરેલો હતો. જ્યારે મંડળીની અંદર અનાજ કરિયાણાનો સરસામાન સલામત હતો. બહાર ખેતરાડીમાં નાંખેલી તિજોરી જોતાં અગત્યના કાગળો, વીમા પોલિસી અને બેંકની ડિપોઝિટની રસીદ જેમની તેમ સલામત હતી. જ્યારે તિજોરીમાં મુકેલા રોકડા રૂ.૧,૯૦,૦૦૦ તસ્કરો લઈ ગયા હતાં. પોલીસે મંડળીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતાં ચાર અજાણ્યા ચડ્ડી બનિયાનધારી મોં પર રૂમાલ બાંધી તિજોરી ખેંચીને તે બહાર લઈ જતો નજરે પડ્યા હતાં. રાત્રિના એક વાગ્યે તસ્કરો મંડળીમાં ઘુસી સીસીટીવી કેમેરા ઉપર કરી દીધા હતાં. બનાવ અંગે કામરેજ પોલીસે જીગ્નેશ ભક્તની ફરિયાદ લઈ ચોરી અને તોડફોડ કરી નુકસાન કરવા અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.