પલસાણા તાલુકાનાં કડોદરા GIDC પોલીસ મથક વિસ્તારમાં આવેલા વરેલી ગામની રોશની ક્રિએશન મિલમાં રાત્રિ પાળીમાં કામ કરી રહેલા કામદારને કોલસો લઈને રિવર્સ આવતી ટ્રકે કચડી નાખતા સ્થળ પર જ મોત નીપજયું હતું. પોલીસે અકસ્માત અંગે મૃતકની બહેનની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના જાંબુઆનો અને હાલ કડોદરાની ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતો પિન્ટુભાઈ ભૂરાભાઈ ભાભોર (ઉ.વર્ષ 27) વરેલી ખાતે આવેલી રોશની ક્રિએશન મિલમાં બોઈલર વિભાગમાં નોકરી કરતો હતો. બુધવારે સવારે તે તેની બેન રમિલા શાંતુ કટારા અને પત્ની હિમા સાથે મિલમાં નોકરી પર આવ્યા હતા. આખો દિવસ કામ કર્યા બાદ રાત્રિ પાળીમાં કામ કરવા માટે રોકાયા હતા. રાત્રિના 2 વાગ્યાની આસપાસ પિન્ટુ બોઈલરમાં કોલસો નાખવાનું કામ કરી રહ્યો હતો તે સમયે એક ટ્રક કોલસો ખાલી કરવા માટે ત્યાં આવી. ટ્રક ચાલકે પૂરઝડપે ટ્રક રિવર્સમાં લાવતા પિન્ટુને અડફેટમાં લઈ લીધો હતો અને તે ટ્રકના પાછલા ટાયર નીચે કચડાય ગયો હતો. અકસ્માતમાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે મૃતકની બેને કડોદરા GIDC પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.