સૌજન્ય-D.B/સુરત: સુરતના વસ્તી કૂદકે ને ભૂસકે જે ગતિએ વધી રહી છે તેની સામે પાયાની સુવિધાઓ વધવાની ઝડપ ઓછી છે. હાલમાં સુરતમાં એક જ દિવસમાં ત્રણ બાળકીઓ પર બળાત્કારના બનાવો બન્યા એટલે કાનૂન વ્યવસ્થા પર સવાલો ઊભા થયા હતા. જ્યારે પોલીસ મહેકમ ઓછું હોવાથી કાયદા-વ્યવસ્થા જાળવવામાં સમસ્યા આવતી હોવાની બૂમ ઊઠી હતી. જોકે, એ હકીકત છે કે ગુનાખોરી ડામવા માટે અને ગુનાઓના ભેદ ઉકેલવા માટે જરૂરી પોલીસબળ સુરત પાસે નથી.
ગુજરાત સરકાર સુરતની સુરક્ષા માટે ગંભીર હોય એવું જણાતું નથી. સુરતની 60 લાખથી વધુની વસ્તી માટે પોલીસ કર્મચારીઓની સંખ્યા માત્ર 3757 છે. સુરતનું મંજૂર મહેકમ ( પોલીસબળ) 5445 છે. પરંતુ તેમાં પણ 1688ની ઘટ છે. માત્ર 3757ની સંખ્યા છે. વસ્તી મુજબ જોઈએ તો 1597 લોકો પર એક પોલીસ કર્મચારી છે. સુરતની 60 લાખની વસ્તી છે.અમદાવાદમાં 80 લાખની વસ્તી સામે પોલીસ કર્મચારીઓનું મંજૂર મહેકમ 20 હજાર છે. સુરત ક્રાઇમ બ્રાંચમાં હાજર મહેકમ 140 છે જ્યારે અમદાવાદમાં હાજર મહેકમ 400 છે.
3 ટીમો હંમેશાં બહાર રહે છે
સુરતમાં મહેકમ ઓછું છે જ્યારે સુરતની વસ્તીમાં પરપ્રાંતીયો ખાસ કરીને રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને તમિળનાડુની વસ્તી વધારે છે. આ રાજ્યોમાંથી આવતા લોકોમાંથી કોઈ ગુનો કરે અને તેમના પ્રાંતમાં ભાગી જાય ત્યારે તેને શોધવા સુરતમાંથી ઓછામાં-ઓછા 15 પોલીસ કર્મચારીઓ લગભગ હંમેશાં અન્ય રાજ્યમાં તપાસ માટે બહાર હોય છે.