સુરત જિલ્લાનાં કોસંબા ટાઉનમાં વપરાશનાં રાંધણગેસનાં બાટલાઓ પોતાનાં ઘરમાં સંગ્રહ કરી ગેરકાયદેસર રીતે ગેસ સીલિન્ડરોને રીફીલીંગ કરી વેચાણ કરવાનું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે. કોસંબા પોલીસને બાતમી મળતાં રેડ પાડી ઝડપી પાડી આ રેકેટમાં સામેલ બે જેટલા મુખ્ય સૂત્રોધારોને રૂ.1.44 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, કોસંબાના અંબિકાનગર સોસાયટીનાં નંબર-12 માં પોતાના ઘરની અંદર ગેરકાયદેસર રીતે ગેસ સીલીન્ડરોનો સંગ્રહ કરી મોટાપાયે ગેસનાં સીલિન્ડરોને રીફીલીંગ કરીને વેચાણ થઈ રહ્યું હોવાની જાણ થતાં કોસંબા પોલીસે ટીમ બનાવી બાતમીનાં સ્થળ પર રેડ પાડી હતી.
આ જગ્યાએથી પોલીસે જુદી જુદી કંપનીનાં રાંધણ ગેસનાં અલગ અલગ વજનનાં કુલ 36 સીલિન્ડરો કબ્જે કર્યા હતા. તેમાં 14 ભરેલા અને 22 જેટલા ખાલી સીલીન્ડરો હતા. આ ઉપરાંત સ્થળ પરથી એક વજન કરવાનો કાંટો, ગેસ રીફીલ કરવામાં વપરાશમાં આવતી નોઝલો, એક મોપેડ તેમજ બે મોબાઈલો પોલીસે કબ્જે લઈ આ રેકેટમાં સામેલ બે ઈસમોને પણ સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જેમાં આ રેકેટમાં સામેલ બે મુખ્ય સૂત્રધારો પૈકીનાં કમલેશ ગોવર્ધનભાઈ ગાંધી અને અંબુ ઈશ્વરભાઈ વસાવાને ઝડપી પાડી પોલીસે બંન્નેની પુછપરછ હાથ ધરી હતી.
છેલ્લા કેટલાક સમયથી તેઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ સીલિન્ડરોને રીફીલીંગ કરી વેચાણ કરવાનાં ધંધાનો પર્દાફાશ થયો હતો. ઝડપાયેલા બંન્ને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને આરોપીઓની અંગઝડતી દરમ્યાન રોકડ રકમ પણ મળી આવી હતી. દરમ્યાન પોલીસ દ્વારા સ્થળ પર વધુ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. કોસંબા પોલીસનાં પીઆઈ પી.વી પટેલે ઝડપાયેલા બંન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલ ભેગા કર્યા હતા.