સુરત જિલ્લામાં ગુજરાતી અને અંગ્રેજી તમામ માધ્યમોની શાળાઓ 13 મી જૂનથી શરૂ થઈ ચૂકી છે. શાળાઓમાં અભ્યાસક્રમ પણ ચાલુ થઈ ગયો છે. જોકે તેમ છતાં કેટલાક ધોરણના પાઠ્યપુસ્તકો બજારમાં ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી આવી રહી છે. ખાસ કરીને ધોરણ 8 પછીની કક્ષાના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ન હોવાનું પુસ્તક વિક્રેતાઓ જણાવી રહ્યા છે. બારડોલીના પુસ્તક વિક્રેતા રાજુભાઈ શાહે જણાવ્યુ હતું કે, ઘણા પુસ્તકો હજી સુધી બજારમાં આવ્યા નથી. અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તકની ખરીદી માટે આવે છે પરંતુ પુસ્તક ન હોવાથી તેમણે ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. ખાસ કરીને ધોરણ 9 ના ગણિત, વિજ્ઞાન, હિન્દી સહિતના વિષયોના પાઠ્યપુસ્તકોની અછત છે. આ ઉપરાંત આ વખતે ધો. 11 અને 12 કોમર્સના કેટલાક પુસ્તક હજી સુધી માર્કેટમાં આવ્યા નથી. બંને ધોરણના અંગ્રેજી વિષયના પુસ્તકો તો આ વખતે જોવા જ નથી મળી રહ્યા. આવી અછત વચ્ચે વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ કરી શકશે તે બાબતે વાલીઓ અને શિક્ષકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. એક શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યુ હતું કે, શાળા શરૂ થયાને 10 દિવસથી વધુનો સમય થઈ ગયો છતાં પાઠ્યપુસ્તક પૂરતા પ્રમાણમાં ન આવ્યા હોય વિદ્યાર્થીઓની સાથે સાથે અમારી પણ મુશ્કેલી વધી ગઈ છે. જો સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી પાઠ્યપુસ્તકો સમયસર મળી શક્યા હોત.
સુરતમાં શાળા શરૂ થયા છતાં બજારમાં હજી પણ પાઠ્યપુસ્તકોની અછત.
Advertisement