સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે આવેલ માછી ગામથી પસાર થતી તાપી નદીમાં ચાલી રહેલા ગેર કાયદે રેતી ખનન પર ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી હતી. સુરત અને ગાંધીનગરની ટીમે સંયુક્ત રીતે છાપો મારી સ્થળ પરથી મોટા પ્રમાણમાં રેતી ખનન ઝડપી પાડી અંદાજિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત અને ગાંધીનગરની ભૂસ્તર વિભાગની ટીમે મંગળવારના રોજ કામરેજ તાલુકા ખાતે આવેલ માછી ગામથી પસાર થતી તાપી નદીના પટમાં છાપો મારી ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડ્યું હતું. ભૂસ્તર વિભાગની ટીમને જોતા જ રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. ભૂસ્તર વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી ચાર યાંત્રિક બોટ, 3 હિતાચી મશીન અને એક ટ્રક મળી કુલ એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.